બરવાળા તાલુકાના સાળંગપુર પાસે આવેલ અક્ષરવાડી પાસે કુતરા સાથે મોટરસાઈકલ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને લોહીયાળ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજયુ હતુ જયારે બાઈક ઉપર સવાર બે લોકોને લોહીયાળ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે બોટાદ તેમજ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર આવેલ સાળંગપુર પાસે સ્વામીનારાયણ મંદિરની વાડી પાસે તા.ર૦/૮/ર૦૧૮ ના રોજ રાત્રીના ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં બોટાદ તરફથી આવી રહેલ મોટર સાઈકલ નં.જીજે.૦૧.ઈકયુ.૩૮૭૬ સાથે અચાનક રોડની સાઈડમાંથી કુતરુ રોડ ઉપર આવતા મોટર સાઈકલ કુતરા સાથે અથડાતા બાઈક પલટી મારી જતા બાઈક ચાલક યોગેશભાઈ ભોપાભાઈ વઢવાણીયા ઉ.વ.૪૦ રહે.બરવાળાને લોહિયાળ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજયુ હતુ જયારે બાઈકમાં સવાર (૧) ગણેશભાઈ ધનજીભાઈ ખાંદળા રહે.બરવાળા (ર) ભરતભાઈ શંકરભાઈ ડોડીયા રહે.બરવાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર મળી ગયા બાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ વાયુ વેગે પ્રસરી જતા બરવાળા સતવારા સમાજમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યુ હતું.આ ઘટનામાં ભોગ બનનારનું પી.એમ.બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યુ હતું.
આ બનાવ અંગે બરવાળા પોલીસે બાઈકના મૃતક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ વી.એમ.કામળીયા (પી.એસ.આઈ.)ચલાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર મૃતક યોગેશભાઈ ભોપાભાઈ વઢવાણીયા હિરા (ડાયમંડ) ના કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવી રહયા હતા તેઓ દૈનિક બરવાળા થી બોટાદ હિરા બજાર ખાતે મજુરી અર્થે અપડાઉન કરતા હતા ત્યાં સોમવારની રાત્રે બોટાદ થી પરત ફરતા સાળંગપુર નજીક કુતરા સાથે બાઈક અથડાતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજતા બરવાળા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી.