આજે એકાદશીથી દિવાળી મહાપર્વના તહેવારોનો પ્રારંભ થઈ ચુકયો છે. દિવાળી પુર્વેનો આજે અંતિમ રવિવાર હોય સવારથી જ બજારમાં ભારે ભીડ રહેવા પામી હતી અને દિવસભર લોકોની ગીર્દી યથાવત રહેતા લોકોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી પુર્વેના આજે અંતિમ રવિવારે બજારમાં ગીર્દી થતા અને ધરાકી નિકળતા દુકાનદારો અને વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. આજે સવારથી જ બજારમાં રેડીમેઈડ કપડા, કટલેરી હીજીયરી આઈટમો, બુટ ચંપલ, ઘર સુશોભનની ચીજવસ્તુઓ, ચિરોડી, રંગોળી સહિત આઈટમોની ખરીદી નિકળતા વેપારીઓએ રાહત અનુભવી હતી. હવે દિવાળીની રાત્રી સુધી બજારમાં ભીડ રહેશે જો કે આવતીકાલથી તો સાંજે ૪ વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી બજારમાં વાહન પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગી જશે જેથી લોકો બજારમાં મુકત રીતે ફરીને ખરીદી કરી શકશે.