રાજયભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજાએ સાર્વત્રિક વરસાદની મહેર વરસાવી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. કેટલીક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આજે ડાંગના વઘઈમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત આહવામાં ત્રણ, સાપુતારામાં ત્રણ, મહુવામાં ત્રણ, માંડવીમાં બે ઇંચ વરસાદ થયો હતો. રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે વ્યારામાં ૧૩૭મી.મી. અને વાલોડમાં ૧૩૩ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૫ાંચ ઈંચ અને ડોલવણ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે સવારે ૭ વાગ્યા સુધીમાં મહુવા તાલુકામાં ૯૭ મી.મી, બારડોલીમાં ૯૪ મી.મી., સોનગઢમાં ૮૬ મી.મી, ચોર્યાસીમાં ૮૨ મી.મી., કપરાડામાં ૭૭ મી.મી અને પલસાણામાં ૭૩ મી.મી. મળી કુલ ૬ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે રાજ્યના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય ૨૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયના વિવિધ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોના ઉભા અને ખરીફ પાકને જીવતદાન મળી ગયુ છે, જેને લઇ રાજયનો ખેડૂતઆલમ ખુશીની લાગણીમાં ગરકાવ બન્યો છે.
બીજીબાજુ, અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેને લઇ વાતાવરણ ઠંડુ અને આહ્લલાદક બની ગયું હતું. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન વાતાવરણ એકંદરે વાદળછાયુ અને ભેજવાળુ રહ્યું હતું. રાજયમાં વડોદરા, અરવલ્લી, દાહોદ, સુરત, વલસાડ, નસવાડી, તાપી, છોટા ઉદેપુર સહિતના પંથકોમાં વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. છોટાઉદેપુર હિરણ નદી બે કાંઠે વહી રહી હતી તો, ડાંગનો ગિરા ધોધ ભરપૂર પાણી સાથે અદ્ભુત કુદરતી દ્રશ્યની મોજ સાહેલાણીઓને પૂરી પાડતો હતો. નસવાડીની અશ્વિની નદી, પંચમહાલનો હડફ ડેમ, દાહોદના પાટાડુંગરી ડેમમાં પણ નવા નીરની આવક વધી હતી. આ સિવાય રાજયના અન્ય જળાશયો અને ડેમોમાં નવા નીર આવ્યા હતા.
ગુજરાત : હજુ અતિભારે વરસાદ પડવાની શક્યતા
રાજયમાં હજુ પણ આગામી ૭૨ કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિતના ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યકત કરાઇ છે. આવતીકાલે તા.૨૨મી ઓગસ્ટ અને ગુરૂવારે તા.૨૩મી ઓગસ્ટે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરાઇ છે.
આ સિવાય સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના લીધે ભારે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝપટા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સૂરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને જુનાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જેથી આ તમામ વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.