અમદાવાદ : પાટીદારોએ બાપુનગર બ્રીજ ખુલ્લો મુક્યો, ગણતરીની મિનિટોમાં જ બંધ!

769
guj16102017-12.jpg

શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રીજના નિર્માણ કાર્ય કર્યા છે. આવો જ એક બ્રીજ બાપુનગરના વિકાસ ચોક નામે જાણીતા સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર બનાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી બ્રીજ તૈયાર  થઈ ગયો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ન હોવાનો દાવો કરીને પાટીદારોએ આજે બાપુનગર ખાતે બનેલા નવનિર્મિત ઓવરબ્રીજને જાતે જ ખુલ્લો મૂકી દીધો હતો અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. બ્રીજ ખુલ્લો મૂકાયો તેની ગણતરીની મિનિટોમાં જ ઓવરબ્રીજ બંધ કરી દેવાયો હતો.

તંત્રએ ગણતરીની મિનિટમાં જ ઓવરબ્રીજ બંધ કર્યો!
પાટીદારોએ પોતાની રીતે શરૂ કરેલા ઓવરબ્રીજને ગણતરીની મિનિટોમાં જ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓવરબ્રીજની બંને બાજુએ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા. ઓવરબ્રીજનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું હોવાના નિશાનીરૂપે વઘેરેલા નાળીયેર પડ્યા હતા. મળતી માહિતી મુજબ આ બ્રીજનું મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે ઉદઘાટન કરવામાં આવશે.

પાટીદારોએ કરોડોના બ્રીજને જાતે જ ખુલ્લો મૂકી દીધો
ઓવરબ્રીજ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો. પરંતુ પ્રજાની હાલાકીને દૂર કરવાને બદલે ઓવરબ્રીજ બની ગયો હોવા છતાં ખૂલ્લો નહીં મુકાતા પાસના નેતા રાહુલ દેસાઈ અને ભાવિન પટેલે અન્ય પાટીદારો સાથે મળીને ઓવરબ્રીજ ખુલ્લો મૂકી દીધો હતો.

Previous articleદિવાળીને દીપાવતાં ડિઝાઈનર દીવડાં
Next articleબળાત્કારના આરોપી જૈન મુનિના પોલીસે રિમાન્ડ ન માંગતાં જેલ હવાલે કરી દેવાયા