રાજ્યમાં ભાજપની ગુજરાત ગૌરવયાત્રા પૂર્ણ થઈ છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, ભાજપની ગૌરવ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી પહોંચી છે. રાજ્યમાં ૪,૪૭૧ કિલોમીટર ફરેલી ગૌરવ યાત્રાને સફળતા મળી છે. ગૌરવ યાત્રા દરમ્યાન લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગૌરવ યાત્રા દક્ષિણ ગુજરાતની ૨૬ વિધાનસભા અને સૌરાષ્ટ્રની ૪૩ વિધાનસભા ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં સાત જિલ્લાની ૩૫ વિધાનસભા બેઠકમાં ફરી હતી. આ સાથે જીતુ વાઘાણીએ ડિસેમ્બર મહિનામાં ચૂંટણીના સંકેત પણ આપ્યાં છે.
ગાંધીનગરના ભાટ ગામમાં ભાજપનું વિશાળ સંમેલન યોજાવવાનું છે. જેમાં ૭ લાખથી વધારે ભાજપના કાર્યકરો હાજર રહેશે.
દેશમાં આ પ્રકારનું સંમેલન પહેલીવાર થવા જઈ રહ્યું છે. સંમેલનમાં આવતા લોકો નાના મોટા વાહનો માટે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે વિરોધીઓને જવાબ આપવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
તો જીતુ વાઘાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, રાહુલ ગાંધી પ્રવાસી પક્ષી છે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવે છે ત્યારે આવા પ્રવાસી પક્ષીને જનતા ઉડાવી દેશે.