ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે. છેલ્લા લાંબા સમયથી વિકાસના નામે ભાજપને લોકોએ ભીડવી દીધી છે. ત્યારે હું છું વિકાસ, હું છું ગુજરાતના નામે ભાજપે વિકાસ કાર્યો બતાવવા લોકો સમક્ષ પહોંચવા માટે ગુજરાતમાં ગૌરવ યાત્રા નામે પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત વધુ એક રાજ્યના મુખ્યમંત્રી તેમાં જોડાયા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર ખાતે ગૌરવ યાત્રામાં જોડાયા હતા. જેમાં તેમણે રાહુલ ગાંધીને ટોણો મારીને કહ્યું હતું કે જેણે પૂજાની થાળી નથી ઉપાડી એ મંદિર જઈ તિલક કરે છે. ઉલ્લેખનીય છે કે ગૌરવ યાત્રામાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાઈ ચૂક્યા છે. આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગૌરવ યાત્રા આવી પહોંચી હતી. તે પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.
અંકલેશ્વરમાં ગુજરાત ગૌરવયાત્રામાં બોલતાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે જણાવ્યું કે, સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. નેહરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે રાખવાને બદલે પટેલને આપ્યો હોત તો કોઈ મુદ્દો જ ઉભો ન થાત. રાહુલ પર વાર કરતાં તેમણે કહ્યું કે, જેમણે અત્યાર સુધી ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી તેઓ આજે મંદિર જઈ રહ્યા છે. મોટા તિલક કરી રહ્યા છે.
કોંગ્રેસના આગેવાનો માટે મોતિયો ઉતારવાનો કેમ્પ કરો,તો એ લોકોને વિકાસ દેખાશે. એશિયામાં પાણીનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં. સરદાર સરોવર ના દરવાજા મુકવા નરેન્દ્ર મોદી ૧૦ વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે લડત આપી છે.