ભાવનગરમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

1802

મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઈદ-ઉલ-અઝહાની આજે ભાવનગર શહેર-જિલ્લામાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ શહેર-જિલ્લાની ઈદગાહ અને જુદા-જુદા વિસ્તારોમાં આવેલી મસ્જીદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબરો ઉપર ફુલ ચડાવી, ફાતિહા પઢી ખાસ દુવાઓ કરી હતી.

આ ઈદ-ઉલ-અઝહાના પર્વને ઈદે-અદહા, ઈદદુ-દોહા, બકરી ઈદ, કુર્બાનીની ઈદ પણ કહેવામાં આવે છે. આ ઈદને મહાન પયંગમ્બર હઝરત ઈબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વ્હાલા પુત્ર હઝરત ઈસ્માઈલ અલૈહિસ્સલામની યાદમાં મનાવવામાં આવે છે. અલ્લાહના પરમમિત્ર હઝરત ઈબ્રાહિમ ખલીલુલ્લાહ અલૈહિસ્સલામને ત્યાગ અને બલિદાનની ભાવનાથી યાદ કરવામાં આવે છે. હઝરત ઈબ્રાહિમ અલૈહિસ્સલામે અલ્લાહતઆલાના આદેશથી પોતાના વ્હાલસોયા પુત્ર હઝરત ઈસ્માઈલનું બલિદાન આપવાની ભાવના જોતા અને હઝરત ઈસ્માઈલનો આબાદ બચાવ થતા તેમની યાદમાં આ ઈદની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારબાદ પિતા-પુત્ર હઝરત ઈબ્રાહિમ અને ઈસ્માઈલ એ કાબાનું પણ નિર્માણ કર્યુ હતુું. જેથી આ જગ્યાએ બેસીને લોકો અલ્લાહનું સ્મરણ કરી શકે અને ઈબાદત કરી શકે, આ કાબા શરીફ ઈસ્લામ માટે ખૂબ જ પવિત્ર છે. સાઉદી અરબમાં પવિત્ર હજયાત્રા માટે દુનિયાભરમાંથી મુસ્લિમ બિરાદરો દર વર્ષે જાય છે. તે પણ ઉલ્લેખનિય છે કે ઈસ્લામી કેલેન્ડરનો છેલ્લો મહિનો જીલહજના ૧૦માં ચાંદને કુર્બાની સાથે નિકટનો સંબંધ છે, તે જ રીતે ઈસ્લામી પ્રથમ માસ પવિત્ર મહોરમના ૧૦માં ચાંદને પણ કુર્બાની (શહાદત) સાથે નિકટનો સંબંધ છે, આજે ભાવનગર શહેર-જિલ્લામાં પણ આ ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આજનો ઈદ-ઉલ-અઝહાનો દિવસ મિલ્લતે ઈસ્લામીયા માટે ખૂબ જ મોટો તહેવારનો દિવસ છે.

Previous articleજિલ્લા જેલમાં ઈદ-ઉલ-અઝહાની કેદી ભાઈઓએ નમાઝ અદા કરી
Next articleએક જ મહિનામાં ૧.૧૬ કરોડ પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરી