ભારતીય એરલાયન્સ નાણાકિય રીતે મુશ્કેલીનો સામનો કરી રહી છે પરંતુ પ્રવાસીઓનો ટ્રાફિક સતત વધી રહ્યો છે. જુલાઈમાં આ ટ્રાફિક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૨૦.૮૨ ટકાના દરે વધ્યો હતો. સામાન્ય રીતે, જુલાઈ મહિનો એરલાઈન કંપનીઓ માટે નરમ રહેતો હોય છે.
ડાયરેકટરે જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, જુલાઈમાં ભારતીય એરલાયન્સે ૧.૧૬ કરોડ પ્રવાસીઓને હવાઈસફર કરાવી હતી, જેનું પ્રમાણ અગાઉના જૂન મહિનામાં ૯૫ લાખ હતું. ગુડગાંવ સ્થિત સ્પાઈસજેટે તેનાં વિમાનો ૯૩.૮ ટકાની ક્ષમતાએ ઉડાડીને લોડ ફેકટરની બાબતમાં નં.૧ જાળવી રાખ્યો છે જયારે ઈન્ડિગોએ ૮૮.૭ ટકા લોડ ફેકટર નોંધાવ્યો હતો. ૮૭.૨ ટકા લોડ ફેકટર સાથે ગોએર ત્રીજા ક્રષે રહી હતી.
ફલાઈટ્સને સમસયર ઉડાવવાની બાબતમાં ઈન્ડિગોએ નં.૧ મેળવ્યો છે. તેની ૮૫.૫ ટકા ફલાઈટ્સ ઓન ટાઈમ હતી જયારે સ્પાઈસજેટની ૮૦.૬ ટકા ફલાઈટ્સ ઓન ટાઈમ હતી ને વિસ્તારાની ૭૭.૬ ટકા ફલાઈટ્સ ઓન ટાઈમ હતી. એર ઈન્ડિયાએ જુલાઈમાં સૌથી ઓછી ૬૭.૫ ટકા ફલાઈટ્સ ઓન ટાઈમ ઉડાડી હતી.
પેસેન્જરની બાબતમાં પણ ઈન્ડિગોએ માર્કેટ લીડરનું સ્થાન જાળવી રાખ્યું છે. કુલ પેસેન્જરમાંથી ૪૨.૧ ટકા પેસેન્જરને ઉડાડીને ઈન્ડિગો નં.૧ પર રહી હતી જયારે જેટ એરવેઝે ૧૫.૧ ટકા અને એર ઈન્ડિયાએ ૧૨.૪ ટકા બજાર હિસ્સો મેળવ્યો હતો.