સરકારે જુલાઈ મહિના માટે જીએસટી બ્રીફ સેલ રિટર્ન (જીએસટીઆર-૩ બી) રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૨૪ ઓગસ્ટ કરી છે. અગાઉ જીએસટીઆર-૩ બી ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓગસ્ટ હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે જુલાઇ મહિનાના જીએસટીઆર-૩ બી ભરવાની છેલ્લી તારીખ લંબાવીને ૨૪ ઓગસ્ટ, ૨૦૧૮ કરવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કેરળમાં પ્રચંડ પૂરની કુદરતી આપત્તિના કારણે ત્યાં જીએસટીઆર-૩ બી ફાઇલ કરવાની તારીખ ૫ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે કે જેથી ત્યાંના વેપારીઓને આ રિટર્ન ભરવા માટે પૂરતો સમય મળી શકે, જ્યારે અન્ય તમામ રાજ્યોમાં વેપારીઓએ ૨૪ ઓગસ્ટ સુધીમાં જીએસટીઆર-૩-બી રિટર્ન ફાઇલ કરવું પડશે.
વાસ્તવમાં ૨૦ ઓગસ્ટ આ રિટર્ન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ હતી, પરંતુ હવે વેપારીઓની મુશ્કેલીઓને ધ્યાને લઇને તારીખ ૨૪ ઓગસ્ટ સુધી લંબાવી આપવામાં આવી છે તે એક સારો નિર્ણય છે. જુલાઇમાં જીએસટીનું કલેક્શન રૂ. ૯૬,૪૮૩ કરોડ રહ્યું હતું, જ્યારે તેના અગાઉના જૂન મહિનામાં આ કલેક્શન રૂ. ૯૫,૬૧૦ કરોડ હતું.