મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી થતી મહેસૂલથી સારો લાભ થઇ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.
એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે.
આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.
ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.