બોટાદના કૃષ્ણસાગર સરોવરમાં બોટાદમાં રહેતા એક ગરીબ દંપતિએ કોઈ કારણોસર સાથે ડૂબી જઈ આપઘાત કરી લેતા બ્રહ્મસમાજમાં અરેરાટી વ્યાપી છે.
આજે સાંજના સમયે એક રાહદારીએ બોટાદમાં આવેલ કૃષ્ણસાગર તળાવમાં મહિલાની લાશ તરતી હોવાની જાણ બોટાદ ફાયર વિભાગને કરતા ફાયર, પોલીસ તથા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં તળાવના પાળા પરથી લેડીસ, જેન્ટસ, ચપ્પલની જોડી, મોબાઈલ ફોન તથા સુસાઈડ નોટ મળી આવેલ. જેમાં ઉલ્લેખ કરેલ કે અમે પતિ-પત્ની રમેશભાઈ લાભશંકરભાઈ જોશી તથા જયાબેન રમેશભાઈ જોશી, આ તળાવમાં ઝંપલાવી આપઘાત કરીએ છીએ. જેના આધારે તળાવમાં ભારે શોધખોળ બાદ રમેશભાઈ ઉ.વ.પ૦ની લાશ મળી આવેલ. સુત્રોના જણાવ્યા મુજબ આ દંપતિનો પુત્ર કરીયાણાની દુકાનમાં કામ કરતો હોય અને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા હોય નબળા આર્થિક પરિસ્થિતિને લઈને અંતિમ પગલુ ભર્યુ હોવાનું પોલીેસે અનુમાન લગાવી વધુ તપાસ હાથ ધરી છે.