વાજપેયીના અસ્થિકુંભનું સાબરમતીમાં વિસર્જન

1149

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિકળશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે ૧૦૦થી વધુ નદીઓમાં પ્રવાહિત કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષોને સોંપ્યા બાદ જુદા જુદા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષો અસ્થિકળશને લઇને પોતાના રાજ્યોમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પાર્ટીની જુની ઓફિસમાં મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષોને અસ્થિકળશ સોંપાયા બાદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી બપોરે અસ્થિકળશ સાથે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં વાઘાણી ખભે અસ્થિ કળશ લઈને એરપોર્ટ બહાર આવ્યા હતા.

વાઘાણી દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સ્વ. અટલજીનો અસ્થિ કળશ સોંપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ગુજરાતના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મેયર, સંતો મહંતો સહિત હજારો કાર્યકરો તથા નગરજનોએ અટલજી અમર રહોના નારાઓ સાથે એરપોર્ટ અસ્થિકળશનું પૂજન કરવામાં આવ્યું હતું. પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અસ્થિકુંજ યાત્રા ખાડિયા-ગોલવાડ ખાતેથી શરૂ થતાં રાષ્ટ્રનાયક વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. સાબરમતી નદીમાં વાજપેયીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું તે સ્થળને હવે અટલ ઘાટ તરીકે ઓળખવામાં આવશે. બીજી બાજુ સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યા બાદ બીજા પાંચ અસ્થિકુંજનું ૩૦મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતની પાંચ પવિત્ર નદીઓમાં વિસર્જન કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કળશને ખભે રાખ્યો હતો. દરમ્યાન અમદાવાદ શહેરમાં ભવ્ય અસ્થિકળશ યાત્રા કાઢીને સ્વ.વાજપેયીની અસ્થિનું સાબરમતી નદીમાં ભાવભીની શ્રધ્ધાંજલિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વ.અટલજીની યાદમાં સાબરમતી નદીના કિનારે જયાં અસ્થિ વિસર્જન કરાયું છે ત્યાં અટલ ઘાટ બનાવવાની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વ. અટલજીની અસ્થિનું ભારે શ્રધ્ધા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં સૌથી પહેલા સ્વ.અટલજીના અસ્થિનું વિસર્જન કરાયા  બાદ રાજ્યની અન્ય ૬ નદીઓમાં પણ અટલજીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ તેમનાં અસ્થિઓને દેશભરની પવિત્ર અને મુખ્ય નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે, તેના ભાગરૂપે આજે અમદાવાદની સાબરમતી નદીમાં  સ્વ. અટલજીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલા વાઘાણી અસ્થિ કળશ લઈને એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો અને સરકારના મંત્રીઓ એરપોર્ટ પહોંચી ગયા હતા. એરપોર્ટથી તેમના અસ્થિ કળશને લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ત્યાં પહોંચ્યા હતા. એરપોર્ટથી ખાડીયા ગોલવાડ ખાતે અસ્થિ કળશ લાવવામાં આવ્યો હતો. ગોલવાડ-ખાડિયાથી અસ્થિ કળશ યાત્રા રાયપુર ચકલા, રાયપુર દરવાજા, ઢાળની પોળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમારા, લોકમાન્ય તિલક ગાર્ડન થઇને સાબરમતી રિવરફ્રન્ટ પર આવી હતી. અહીંથી સાબરમતી સુધી ભવ્ય અસ્થિ કળશ યાત્રા નીકાળવામાં આવી હતી. અસ્થિ કળશ યાત્રામાં પણ ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સાધુ-સંતો અને મહંતો પણ જોડાયા હતા. અસ્થિ કળશ યાત્રામાં જોડાયેલા લોકો દ્વારા અટલજી અમર રહોના જોરદાર નારાઓ લગાવવામાં આવ્યા હતા.

આજની અસ્થિ કળશયાત્રામાં જાહેરજનતા પણ સ્વૈચ્છિક રીતે જોડાઇ હતી. તો, સમગ્ર યાત્રામાં સ્વ.અટલજીની લાક્ષણિક મુદ્રાની તસ્વીરો, વિશાળ કટઆઉટ, તેમની કવિતાઓની પંકિતઓ સહિતના આયોજન સૌથી વધુ ધ્યાન ખેંચતા હતા. સાંજે ૬-૦૦ વાગ્યાની આસપાસ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સ્વ.અટલજીના અસ્થિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વ.વાજપેયીજીની રાજકીય સફરની સાથે સાથે તેમના લોકહિતના કાર્યો, સાદગી અને સરળ સ્વભાવને યાદ કરી તેમના જીવનકાર્યોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વ.અટલજીની યાદમાં સાબરમતી નદીના કિનારે જયાં અસ્થિ વિસર્જન કરાયું છે ત્યાં અટલ ઘાટ બનાવવાની જાહેરાત પણ કરી હતી.

Previous articleમુંબઇમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી : ૪ ભડથુ
Next articleપૂર્વ કેન્દ્રીયપ્રધાન ગુરુદાસ કામતનું નિધન