વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૩ ઓગસ્ટના રોજ ગુરુવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. એક દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરચક કાર્યક્રમ છે. વડાપ્રધાન આવતીકાલે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના મહત્વના કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ નવી દિલ્હીથી સવારે ૧૦-૧૫ વાગ્યે વાયુદળના વિમાનમાં સુરત હવાઇ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦-૫૦ કલાકે વલસાડ પહોંચીને સવારે ૧૧-૦૦ વાગ્યે જૂજવા ગામે પહોંચશે. યાં રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જૂજવા ખાતેથી સામૂહિક ઇ-ગૃહ પ્રવેશ કરાવશે. આ સાથે વડાપ્રધાન દ્વરા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પાંચ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમ જ નિમણૂંકપત્રોને વિતરણ પણ કરવામાં આવશે.
મ મોદી વલસાડમાં કાર્યક્રમો પૂર્ણ થયા બાદ બપોરે ૧૨-૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ત્યાં ૨-૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ મેદાન ખાતે આવી પહોંચશે.
જૂનાગઢમાં તેઓ રૂ.૨૭૫ કરોડના ખર્ચે બનેલી ૩૦૦ બેડ ધરાવતી અદ્યતન સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરશે. તો, સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ત્રઇ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ.૪૫૦ કરોનડા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે. જૂનાગઢમાં આ કાર્યક્રમો પૂર્ણ કરી તેઓ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં સાંજે ૬-૦૦ કલાકે યોજાનારા ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પીએમ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન પણ આપશે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે ૭-૩૦ વાગ્યે રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ ભાગ લેશે. જેમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે. આ પછી ભાજપના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. જેમાં ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પરામર્શ કરી વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ત્યારબાદ રાત્રિ ભોજન લઇ ૯.૦૦ વાગે પીએમ અમદાવાદ હવાઇમથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનના આવતીકાલની મુલાકાતને લઇ રાજય સરકાર, ભાજપના નેતાઓ અને તંત્રના અધિકારીઓએ જરૂરી તમામ તૈયારીઓ કરી રાખી છે.