કેરળના પૂરથી કોચ્ચિ એરપોર્ટને રુપિયા ૨૫૦ કરોડનું નુકસાન થયું

809

કેરળમાં ભયંકર પૂરપ્રકોપ બાદ કોચ્ચિના ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અનુમાન મુજબ આ નુકસાનનો આંકડો ૨૫૦ કરોડ રુપિયા માનવામાં આવે છે. પૂરનું પાણી એરપોર્ટમાં થઈને રન-વે સુધી આવી જવાને કારણે કોચ્ચિ એરપોર્ટ ૧૫ ઓગસ્ટથી બંધ કરવામાં આવ્યું છે. જેને ૨૬ ઓગસ્ટથી રાબેતા મુજબ ખોલવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, કોચ્ચિ એરપોર્ટ કેરળનું સૌથી વધુ વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. અહીં ખાડી દેશોમાંથી મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવે છે. કોચ્ચિ એરપોર્ટના પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા મુજબ ૨૫૦ લોકો કોચ્ચિ એરપોર્ટને ફરીવાર શરુ કરવાના પ્રયાસમાં લાગ્યા છે.છેલ્લા કેટલાંક દિવસોના સતત પ્રયાસ બાદ કોચ્ચિ એરપોર્ટમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે. હવે રન-વેની ૮૦૦ લાઈટ અને દીવાલોની મરમ્મતનું કામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ તૂટેલી દીવાલની જગ્યાએ એક અસ્થાયી માળખું ઉભું કરવામાં આવી રહ્યું છે જેથી એરપોર્ટની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવું પડે નહીં.

પૂરના પાણીને કારણે એરપોર્ટની સોલાર પેનલને પણ નુકસાન પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે, કોચ્ચિ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એરપોર્ટ છે જે સોલાર પેનલથી ઓપરેટ કરવામાં આવે છે. એરપોર્ટના ઁર્ઇંના જણાવ્યા મુજબ પૂરને કારણે ૨૦ ટકા સોલાર પેનલ નષ્ટ થઈ ગઈ છે. જોકે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જવાની ધારણા છે.

રાહતની વાત એ છે કે, કોચ્ચિના એરપોર્ટનો પહેલેથી જ વિમો ઉતારવામાં આવેલો હતો. જેથી તેના ૨૫૦ કરોડના નુકસાનની ભરપાઈ વિમા કંપની દ્વારા કરવામાં આવશે.

Previous articleવસુંધરા રાજેની ૭ દિવસની ગૌરવયાત્રાનો ખર્ચ ૧ કરોડથી વધુ
Next articleવાજપેયીના સહારે ચૂંટણી જીતવા માટેની પણ તૈયારી