૧૮મી એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતે સારા મેડલ જીત્યા હતા. તેમાં પણ વુશુમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૪ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વુશુ ટીમને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. ગુરૂવારે પણ ભારતે શૂટિંગમાં સિલ્વર મેડલથી શરૂઆત કરી હતી. ભારતનો ૧૫ વર્ષનો શાર્દુલ વિહાન એક પોઈન્ટથી ગોલ્ડ ચુકી ગયો હતો. શાર્દુલ વિહાને ૧૮મી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પુરુષોની ડબલ ટ્રેપ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તેણે ૭૩ પોઈન્ટ બનાવ્યા હતા. દક્ષિણ કોરિયાના શિન હ્યુન ગોએ ૭૪ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો. આમ, શાર્દુલ માત્ર ૧ પોઈન્ટને લીધે ગોલ્ડ મેડલ ચુકી ગયો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.