ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માંથી લીધો સંન્યાસ

1388

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ૩૫ વર્ષની ઝુલને ૬૮ ટી૨૦માં ૫૬ વિકેટ લીધી છે. જેમાં ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા સામે ૫ વિકેટ તેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. તેણે ૨૦૦૬માં ઈંગ્લેન્ડ સામે ટી૨૦માં પદાર્પણ કર્યું હતું અને આ વર્ષે જુનમાં બાંગ્લાદેશ સામે અંતિમ ટી૨૦ મેચ રમી હતી. ઝુલન ગોસ્વામીએ ટી૨૦માં પોતાની સફળતા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ટીમના સાથીઓનો આભાર માન્યો હતો. બીસીસીઆઈ અને સમગ્ર મહિલા ક્રિકેટ ટીમનું ક્રિકેટમાં તેના યોગદાન માટે આભાર માનવાની સાથે તેણે ભવિષ્ય માટે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

વન ડે ક્રિકેટમાં ઝુલનના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે ૧૬૯ મેચમાં ૨૦૩ વિકેટ લીધેલી છે. આ ઉપરાંત, તેણે ૧૦ ટેસ્ટમાં ૪૦ વિકેટ લીધી છે. ઝુલન ગોસ્વામી ટી૨૦ ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ ૫૬ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે.

Previous articleગુજરાતની અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
Next articleમાત્ર ૧૫ વર્ષના શાર્દૂલ વિહાને ભારતને અપાવ્યો સિલ્વર મેડલ