જ્યાંથી દુનિયાભરના વેપાર ધંધા થવાના છે અને દુનિયાના બિઝનેશ હબમાં જેની ગણતરી થવાની છે. તેવા ગિફ્ટ સિટીને જોડતા રોડ નેટવર્કના વિસ્તરણની યોજના અંતર્ગત ગાંધીનગરના શાહપુરથી ગિફ્ટ સિટીને જોડતાં નવા માર્ગ અને હયાત માર્ગનાં નવીનીકરણ માટે ૧૫.૪૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ આવવાની શરૂઆત થવાના પગલે રસ્તાની કામગીરી ઝડપભેર હાથ ધરાવાની છે. હવે અમદાવાદ તરફના અન્ય માર્ગોને ગિફ્ટ સિટી સુધી લંબાવવા મથામણ કરાશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરનો સમાવેશ દેશના ૧૦૦ સ્માર્ટ સિટીમાં થવા પાછળનું એક કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં કાર્યકાળમાં શરૂ થયેલી સ્વપ્નિલ યોજના ગિફ્ટ સિટી પણ છે. અબજો રૂપિયાના ખર્ચે નગરના સીમાડે શાહપુર, રતનપુર અને ફીરોજપુરના ત્રિભેટે આકાર પામી રહેલા ગિફ્ટ સિટીને વ્યાપારી અને ઉદ્યોગગૃહો તરફથી પ્રતિસાદ મળવાનાં પગલે હવે સંદર્ભિત માળખાકીય સુવિધાઓની પુર્તી કરવાની વાતને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ ગિફ્ટ સિટીને લાગુ પડતાં મુખ્ય માર્ગોનું નેટવર્ક વિસ્તારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મહાનુભાવો મોટર માર્ગે કોઇ અડચણ વિના અને ઝડપભેર ગિફ્ટ સિટી પહોંચી શકે તેવો હેતુ તેની પાછળ રહેલો છે.
પાટનગર નજીક ૧૧૦૦ એકરથી વધુ જમીન વિસ્તારમાં વિકસાવાઇ રહેલા ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે આકાર અપાઇ રહ્યો છે અને અહીં વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમાં સ્વાભાવિક રીતે જ રોડ નેટવર્ક પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટીને જોડતા દરેક માર્ગ વિદેશના જેવા બાંધવામાં આવી રહ્યાં છે. તેમાં હવે શાહપુર ચોકડીથી ગિફ્ટ સિટીના હયાત માર્ગના નવીનીકરણ અને નવા માર્ગના બાંધકામ માટે ૧૫.૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યાનું મુખ્ય ઇજનેરે જણાવ્યું છે. આ માર્ગ બાદ અમદાવાદના અન્ય છેડાઓ પરથી ગિફ્ટ સિટી સુધીનાં અન્ય માર્ગ પણ વિકસાવવામાં આવશે.