રસ્તાના નવીનીકરણનાં કામ મનપા દ્વારા પાટનગર યોજના વિભાગને નાણા ચૂકવીને કરાવાય છે. તંત્રએ કરોડો રૂપિયા ચૂકવીને રસ્તાના કામ કરાવ્યા પછી રસ્તા તૂટી જવાની ફરિયાદો મળતા હવે વિભાગ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવાશે. શહેરમાં ચાલુ ચોમાસામાં સામાન્ય વરસાદ પડ્યો છે. છતાં રેતી અને કાંકરી અલગ થઇ જવાના કારણે દ્વિચક્રી વાહનો ગમે ત્યારે સ્લીપ થઇ જવાના બનાવ બને છે. ત્યારે તંત્રના નાણાં ટુંકા ગાળામાં કેમ ધોવાઇ ગયા તે બાબતનું પોસ્ટ મોર્ટમ કરવાનું જરૂરી બની ગયુ છે.
શહેરના દરેક વોર્ડમાં કોઇને કોઇ વિસ્તારમાં રસ્તા તૂટી ગયા હોવાની ફરિયાદો મેયર, કોર્પોરેટરો અને તંત્રને સતત મળી રહી છે. ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચામાં લેવાયો હતો. નોંધવું રહેશે કે મહાપાલિકા વિસ્તારમાં રસ્તાના નવીનીકરણ પાટનગર યોજના વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ તેનો ખર્ચ હવે મહાપાલિકા ઉઠાવે છે.
વિભાગ ટાઇમ ટેબલ પ્રમાણે રસ્તાના કામ હાથ પર લે, અથવા મહાપાલિકાની ભલામણ પ્રમાણે રસ્તાના કામ કરે તેના નાણાની આગોતરી ચૂકવણી મહાપાલિકા વિભાગને કરે છે. અત્યાર સુધીમાં રૂપિયા ૪૮ કરોડ રસ્તાના કામ માટે ચૂકવાયા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિવિધ સેક્ટરમાં કરવામાં આવેલી રસ્તાના નવીનીકરણની કામગીરી પછી સામાન્ય રસ્તાના ખસ્તા હાલ થઇ જવાથી આ મુદ્દો શહેરવાસીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ઉપરોક્ત કામગીરી કરવા માટે મહાપાલિકા દ્વારા વિભાગને નાણા ચૂકવવામાં આવ્યા હતાં. વસાહતીઓની ફરિયાદોના પગલે આ મુદ્દે ચર્ચા થયાં બાદ સ્થાયી સમિતિ પાટનગર યોજના વિભાગ પાસેથી મહાપાલિકાના નાણામાંથી કરવામાં આવેલી કામગીરી સંબંધે વિગતવારનો અહેવાલ માગવા માટે કમિશનરને કહેશે.
જ્યાં છેલ્લા છ, આઠ મહિનામાં જ રસ્તાના નવીનીકરણ કરાયા છે. તેવા દરેક સ્થળ મુલાકાત લઇને તપાસ કરાશે અને આ મુદ્દે પાટનગર યોજના વિભાગ પાસેથી કામની વિગત મેળવાશે, તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યુ હતુ.