ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા શિવાજીસર્કલ વિસ્તારમાં કામગીરી સ્થિર કરવામાં આવી છે. ટીપીના મેપ આધારે રોડ ખુલ્લા કરાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે.
છેલ્લા ત્રણેક દિવસથી મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શિવાજીસર્કલ વિસ્તારમાં વર્ષો જુના ઝડ થયેલા દબાણો દુર કરવાની કામગીરી પર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. અધિકારીગણના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મુખ્ય ત્રણ અને પેટા ૬થી વધુ રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ અત્યંત સાંકડા અને દબાણોથી ભરપુર હાલતમાં હોય આથી આ તમામ રસ્તાઓ પરથી કાયમી ધોરણે દબાણો દુર કરી નિર્ધારીત માપ સાઈઝના રોડ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વર્તમાન સમયે શિવાજીસર્કલથી તરસમીયા જોડતા રોડ પર આવેલા ઓટલાઓ, બાકડાઓ, તારફેન્સીંગ, ઓરડીઓ દિવાલો સહિતના દબાણો આવેલા હોય જેને દુર કરવામાં આવી રહ્યાં છે. આ માર્ગ પર વર્ષોથી બંધ હાલતમાં પડેલા ત્રણ થી વધુ વાહનો પણ દુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમ્યાન પાક્કા દબાણો દુર કરવામાં આવશે. દબાણો દુર કર્યા બાદ પેવર બ્લોક તથા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે.
વર્ષો જુની માર્કેટનું પણ સ્થળાંતર
શિવાજીસર્કલથી સુભાષનગરને જોડતા રોડ પર સેન્ટ મેરી સ્કુલ પાસે વર્ષોથી શાકમાર્કેટ ભરાય છે. તંત્રએ તમામ બકાલાના વેપારીઓને જણાવ્યું છે કે, કાલથી તમામ લોકોએ મહાપાલિકાના શોપીંગ સેન્ટરના કમ્પાઉન્ડમાં શાકભાજી વેચાણ અર્થે બેસવું બહાર જે કોઈ વ્યક્તિઓના પડા હશે તેમનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.