ભાજપના ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજયના ખૂણેખૂણેથી આવેલા ભાજપના લાખો કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતાં અને તેઓને ચૂંટણી ધ્યેયનું લક્ષ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દોઢસો પ્લસ બેઠકો લાવવાની છે એટલે કે, આ વખતે ત્રણ ચતુર્થાંશ બહુમતીથી જીતવાનું હોઇ પ્રતિષ્ઠાનો જંગ છે અને એટલે પક્ષના તમામ કાર્યકર્તા દિવાળી પછી લોકોના ઘેર-ઘેર પહોંચી આ માટે કાર્યરત થઇ જાય. તેમણે કાર્યકરોને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને મૂળિયા સમેત ઉખેડી ફેંકવા પણ અનુરોધ કર્યો હતો.
શાહે તેમના પ્રવચનમાં રાહુલ ગાંધી પર ફરી એકવાર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ અમેઠીમાં કલેકટર કચેરી નહી બનાવી શકનાર રાહુલ બાબા ગુજરાતના વિકાસનો હિસાબ માંગે છે. ગુજરાત વિકાસની મજાક ઉડાવનારાઓનો ગુજરાતની જનતા બદલો લેશે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, સને ૧૯૯૦થી ૨૦૧૭સુધીમાં ભાજપ દરેક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી જીતતી આવી છે પરંતુ આ વખતે વાત પ્રતિષ્ઠાની છે કારણ કે, ત્રણ ચતુર્થાંશ બહુમતીથી જીતવાનું છે. તેમણે લાખો કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાને જાહેર અનુરોધ કરતાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રજાએ તેમને સ્પષ્ટ બહુમતીથી જીતાડયા પરંતુ હવે તો આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતે તેમને કંઇક વધુ આપવું જોઇએ અને તેથી આ વખતે આપણે ત્રણ ચતુર્થાંશ બહુમતીથી ભાજપને જીતાડી બતાવવું જોઇએ. તેમણે રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં જણાવ્યું કે, આઝાદીના ૭૦ વર્ષ બાદ અને ત્રણ-ત્રણ પેઢીઓ સુધી
અમેઠીમાં એક કલેકટર કચેરી સુધ્ધાં નહી બનાવી શકનારા આજે ગુજરાતના વિકાસનો હિસાબ માંગે છે. અરે..હું દસ દિવસ પહેલાં અમેઠીમાં કલેકટર કચેરીનું ભૂમિપૂજન કરી આવ્યો છું. રાહુલ બાબા પૂછી રહ્યા છે કે, મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને
શું આપ્યું પરંતુ તેમને ખબર નથી કે, મોદીએ ગુજરાતને કશું આપવું ના પડે તેવું ગુજરાત બનાવી દીધું છે. નર્મદા યોજના પૂર્ણ કરવાનો શ્રેય મોદીને જાય છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસીઓને પૂછવું જોઇએ કે, આટલા વર્ષો સુધી તેમના શાસનમાં નર્મદા યોજના પૂરી કેમ ના થઇ? મોદી બુલેટ ટ્રેનનો પ્રોજેકટ લઇને આવ્યા અને વિકાસની નવી વ્યાખ્યા તેમણે ચરિતાર્થ કરી છે ત્યારે કોંગ્રેસીઓ વિકાસની મજાક ઉડાવે છે પરંતુ વિકાસ મજાક ઉડાવનારાઓનો બદલો ચૂંટણીમાં ગુજરાતની જનતા લેશે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ દેશના ૮૦ ટકા ભૂભાગમાં ભાજપનું શાસન સ્થપાયું છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. આજે જો કોઇને વિકાસની વ્યાખ્યા સમજવી હોય તો માત્ર એક જ લીટીમાં સમજી શકાય કે, મોદીનું ગુજરાત મોડેલ એટલે સંપૂર્ણ વિકાસ. અમિત શાહે આક્રમક અંદાજમાં સંબોધન કરીને કાર્યકરોમાં નવો જુસ્સો જગાવ્યો હતો.