૨૦૨૨ સુધીમાં દરેક પરિવાર પાસે પોતાનું ઘર હશે : મોદી

1615

વડાપ્રધાન મોદી આજે એક દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા. વલસાડમાં એક જનસભાને સંબોધતા મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, હાલમાં દેશમાં એક એવી સરકાર છે જે સંકલ્પની સાથે સાથે ચોક્કસ સમયગાળામાં કામ કરી રહી છે. મોદીએ પોતાના ભાષણમાં સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન વાજપેયીને પણ યાદ કર્યા હતા. મોદીએ વાજપેયીના નામ ઉપર બનનાર માર્ગ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતુ ંકે, દેશના દરેક ગામને માર્ગો સાથે જોડવામાં આવશે. બીજી બાજુ એક લાખથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો અર્પણ કરીને બહેનોને રક્ષાબંધનની ભેટ આપવાનો અનુભવ થઇ રહ્યો હોવાની વાત પણ કરી હતી. માતા અને બહેનોને ઘરની ભેંટ મળી રહી છે તે તેનાથી મોટી ભેંટ કોઇને પણ મળી શકે તેમ નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું ઘર રહેશે તેવી જાહેરાત તેમણે કરી હતી. એક લાખથી વધુ ઘરોના ગૃહપ્રવેશના વિડિયો કોન્ફરન્સથી મોદી સામેલ થયા હતા. આવનાર બે વર્ષમાં દરેકના ઘરમાં વિજળી પહોંચશે. આવાસ યોજનામાં કોઇપણ ગેરરીતિને ચલાવી લેવાશે નહીં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા બહુવિધ ઉપયોગી લોકલક્ષી કાર્યક્રમના સ્થાળેથી ગુજરાતના ર૬ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૧૭૨૭ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા મકાનોના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઇ ગૃહ પ્રવેશ કરાવ્યોજ હતો.

તેમણે અત્યંત આનંદ સાથે જણાવ્યું હતું કે, બહેનો મારે માટે મોટી રાખડી લઇને આવી છે. રક્ષાબંધનનું પર્વ સાવ નીકટ છે, ત્યારે એક લાખથી વધુ પરિવારોની બહેનોને રક્ષાબંધનની વીરપસલી આપી હોય એવો સુખદ ભાવ હું અનુભવી રહયો છું. દેશની બહેનો અને માતાઓના આશીર્વાદથી મને રક્ષા કવચ મળ્યું છે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જુજવાના કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાઓના ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયાઓને આકરા ઉનાળા સહિત આખુ વર્ષ પીવાનું ચોખ્ખુ પાણી પુરૂ પાડવા માટેની અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

તેમણે મુખ્યંમંત્રી ગ્રામોદય યોજના, અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ કૌશલ યોજના હેઠળ લાભાર્થીઓને રોજગારલક્ષી તાલીમના પ્રમાણપત્રો અને રોજગારીના આદેશો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, સામાજિક, ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારરાજય આરોગ્યણમંત્રી કિશોરભાઇ કાનાણી, રાજય આદિજાતિ વિકાસમંત્રી રમણલાલ પાટકર, રાજય ગ્રામવિકાસ મંત્રી બચુભાઇ ખાબડ સહિત રાજ્ય મંત્રીમંડળના સદસ્યઓ, સાંસદઓ, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. વિરાટ જનમેદનીએ પ્રધાનમંત્રીને ઉમળકાભેર હર્ષનાદોથી વધાવ્યા હતા.

આ પ્રસંગે એસસી/એસટી  એક્ટને મૂળ સ્થિાતિમાં પુનઃસ્થાપિત કરવા માટે અને ઓબીસી આયોગને બંધારણિય દરજ્જો આપવા માટે આભારની લાગણી વ્યક્તએ કરવાની સાથે સંબંધિત સમાજોના આગેવાનોએ પ્રધાનમંત્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઘરની ગુણવત્તા, વીજ, ગેસ, શૌચાલય, અને પાણી પુરવઠા જેવી સગવડોનો સંવાદ કર્યો હતો અને લાભાર્થી પરિવારો સંતાનો, અને ખાસ કરીને દિકરીઓના શિક્ષણની પૂરેપુરી કાળજી લે એવો અનુરોધ કર્યો હતો. તેમણે આવાસ યોજનાનો લાભ કોઇપણ કટકી-બટકી કે ભ્રષ્ટાચાર વગર મળ્યાની ઊંડાણપૂર્વક ખાતરી કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું  કે, આખા ઘર માટે પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવાની કપરી જવાબદારી બહેનો અને માતાઓના માથે હોય છે. એટલે પાણીની વિપદા સહુથી વધુ બહેનોએ વેઠવી પડે છે. એટલે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાને પણ હું બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે મૂલવું છું. ભાઇનું કર્તવ્યવ પુરૂ કર્યાનો મને ઊંડો આનંદ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું  કે, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ઉમરગામથી અંબાજી સુધીની પૂર્વપટૃીના તમામ ગામો અને ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાનો મેં સંકલ્પ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ગિરના જંગલોમાં ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મતદાતા માટે આખેઆખુ મતદાન મથક ઊભુ કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ ઘટનાની આખી દુનિયા નોંધ લે છે. તે જ પ્રમાણે અસ્ટોકલ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ર૦૦ માળના મકાન જેટલી ઊંચાઇએ ડુંગર ઉપર આવેલા ગામને પાણી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.

નદીને ડુંગર ઉપર પહોંચાડવા જેવો આ ટેકનોલોજીકલ ચમત્કાર એક આદિવાસી ગામને પાણી પુરૂ પાડવા માટે રાજ્ય સરકારે કર્યો છે. લોકો પ્રત્યેની આ અસાધારણ સંવેદનશીલતાની નોંધ લેવી જરૂરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું  કે, એકથી દોઢ વર્ષમાં દેશના પ્રત્યેક ઘરને વીજ જોડાણ ઉપલબ્ધ કરાવવાનું કામ પુરૂ કરાશે. અમે ઉજાલા યોજના દ્વારા લોકોના ઘરનો અંધકાર નિવાર્યો છે. શૌચાલય, પાણી, રાંધણગેસ, વીજળી જેવી સુવિધાઓ લોકોના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આણે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે મારુ પાલનપોષણ કર્યું છે. મારુ ઘડતર કર્યું છે. તેની તાકાતથી હું દેશવાસીઓના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરી રહયો છું. સન ૨૦૨૨ સુધીમાં દેશનો એકપણ પરિવાર ઘરથી વંચિત ન હોય એ મારો સંકલ્પ છે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી સદ્‌ગત અટલ બિહારી વાજપાઇજીને ભાવપૂર્વક યાદ કરતાં જણાવ્યું  હતું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ દેશના પ્રત્યેક ગામને રસ્તાથી જોડવાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કટકી-બટકી કંપની બંધ કરાવી દીધી છે, એટલે સરકારી આવાસ યોજના હેઠળ હવે શ્રેષ્ઠ મકાનો બને છે. આ આવાસો કોન્ટ્રાકટરની મરજી મુજબ નહીં પરંતુ લાભાર્થીઓની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેમણે દિલ્હીથી નીકળતો રૂપિયો આખેઆખો ગરીબોના ઘર સુધી પહોંચાડવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણે આખા ગુજરાતના લોકો સાથે સંવાદ કરવાની તક આપી એવી લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકારને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્ણન આણે એવી કામગીરી માટે અભિનંદન આપ્યાી હતા.

Previous articleરવિવારે રક્ષાબંધન, નાળિયેરી પુનમ અને બળેવ
Next articleદેશમાં આરોગ્ય સેવાનું મોટુ નેટવર્ક ઉભું કરાશે : વડાપ્રધાન