રાજ્યના મુખ્યતમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧,૧૫,૫૫૧ લાભાર્થી ઓના પ્રધાનમંત્રીના હસ્તે ઇ ગૃહ પ્રવેશના પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યો સરકારે આ યોજના હેઠળ ર,૦૫,૦૦૦ મકાનો લાભાર્થીઓ માટે બનાવવાનું આયોજન કર્યું છે અને આ સંકલ્પ ટૂંક સમયમાં પૂરો કરાશે.
મુખ્યમંત્રી અનેકવિધ પ્રકારે લોકોપયોગી યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, આપની યોજનાઓ ગરીબો માટેની સાચી લાગણી અને ઊંડી સંવેદનશીલતાની અનુભૂતિ કરાવે છે. તેમણે દિલ્હીની દૂરંદેશીસભર પહેલનો લાભ ગુજરાતના ગરીબો અને છેવાડાના માનવીઓને આપવા માટે પ્રધાનમંત્રીનો હાર્દિક આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જળ દૂકાળ ભૂતકાળની વાત બની જાય તેવું સમુચિત પાણી પુરવઠાનું આયોજન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, અસ્ટોરલ જુથ પાણી પુરવઠા યોજના ધરમપુર અને કપરાડા તાલુકાઓના વનબંધુઓને ઘરેઘેર નળ દ્વારા પીવાનું ચોખ્ખું પાણી આપશે, અને હેન્ડ પંપથી પાણી સિંચવાની વિપદામાંથી લોકોને મુક્ત કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેવાડાના માનવીઓ માટે રસ્તા, પાણી, વીજળી જેવી સવલતો કરવી એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રતા છે. રાજ્ય સરકારે ૩ હજાર કરોડના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ આયોજનો કર્યા છે અને દરિયાના પાણીને પીવા-વપરાશ માટે શુદ્ધ કરવા સહિતના પરિણામદાયક પ્રબંધો કર્યા છે. પાકુ મકાન મેળવનારા છેવાડાના લાભાર્થીઓના આશીર્વાદ પ્રધાનમંત્રીને મળ્યા જ છે, એવી લાગણી વ્યક્ત કરતા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમે પોલા વચનો નથી આપતા. અમે જેટલુ કરી શકીએ એટલુ જે બોલીએ છીએ. સરકાર જ બોલે છે એ કરી બતાવે છે. સન ૨૦૨૨ સુધીમાં સહુને ઘરનો સંકલ્પ દોહરાવતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને સીધેસીધી ૧.૪૯ લાખની સહાય આપવામાં આવે છે. સહુને રોટલો અને ઓટલો આપવાનો અમારો સંકલ્પ છે. મુખ્યમંત્રીએ આવાસ યોજનાઓના લાભાર્થીઓને લાભો આપવા સહિત વિવિધ લોકોપયોગી આયોજન માટે ગુજરાતની મુલાકાત લેવા બદલ, રાજ્યનના લોકોવતી પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. ગુજરાત સરકારે જળ દુકાળ ભૂતકાળની વાત બની જાય તેવું સમુચિત પાણી પુરવઠાનું આયોજન કર્યું છે.