કેરળમાં આવેલા વિનાશક પૂરમાં 373 લોકોના જીવ ગયા છે, હવે રાજ્ય સરકાર આ માટે તામિલનાડુને જવાબદાર ગણાવે છે. કેરળનું કહેવું છે કે તામિલનાડુએ મુલ્લાપેરિયાર ડેમમાંથી પાણીના સ્તરને ઘટાડવાથી ના પાડી દીધી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં પિનરાયી વિજયન સરકારે કહ્યું છે કે તામિલનાડુને ઘણી વખત ડેમનું જલસ્તર 142 ફૂટથી 139 ફૂટ કરવાની વિનંતી કરી હતી પણ તામિલનાડુએ તેને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મુલ્લાપેરિયાર ડેમ કેરળમાં છે અને તેનું સંચાલન તામિલનાડુ દ્વારા કરવામાં આવે છે.
ઇડુક્કીમાં ભારે વરસાદ પછી 15 ઓગસ્ટે જલસ્તર 142 ફૂટના નિશાન ઉપર પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ન્યૂઝ 18ને કેરળ સરકારના સોગંદનામાંથી માહિતી મળી છે કે રાજ્ય સરકાર પૂરના પાણીનો એક મોટો જથ્થો સમુદ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી હતી. પેરિયાન બેસિનના ત્રીજા સૌથી મોટા મુલ્લાપેરિયાર ડેમમાંથી અચાનક પાણી છોડવાના કારણે કેરળ સરકાર ઇડુક્કી ડેમમાંથી વધારે પાણી છોડવા માટે મજબૂર બની હતી. જે રાજ્યમાં આવેલા વિનાશકારી પૂરના મુખ્ય કારણોમાંથી એક છે.
તામિલનાડુએ સરકારે બતાવ્યું હતું કે 2014માં સુપ્રીમ કોર્ટે પાણીનું સ્તર 142 ફૂટ સુધી વધારવા મંજુરી આપી હતી. ડેમના સંચાલનને લઈને તામિલનાડુ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજુ કરશે.
વિજયન સરકાર ઉપર પણ ડેમોને યોગ્ય રીતે ન ખોલવાના આરોપ લાગી રહ્યા છે. કેરળના વિપક્ષી દળોએ રાજ્યમાં આવેલા પૂરને માનવ સર્જિત મુશ્કેલી ગણાવી હતી
કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેનિથલાએ તે પરિસ્થિતિઓની ન્યાયિક તપાસની માંગણી કરી છે જેના કારણે એકસાથે 40 ડેમોના દ્વારા ખોલવા પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારને ખબર ન હતી કે પમ્બા નદીના નવ ડેમ, ઇડુક્કીમાં પેરિયાર અને એર્નાકુલમ જિલ્લામાં 11 ડેમ, ત્રિસ્સુર ચાલાકુડી નદીના 6 ડેમના દ્વારા ખોલવામાં આવશે તો પાણી ક્યાં-ક્યા જશે.