રાજકોટથી સોમનાથ દ્વારકા માટે ખાનગી હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઇ રહી છે. ટેલિકોમ ક્ષેત્રે નામના મેળવ્યા બાદ પુજારા ટેલિકોમ (હરિઓમ કોમ્યુનિકેશન) દ્વારા આ માટે પ્રથમ તબક્કામાં ૬ સીટર હેલિકોપ્ટર મુકાશે. ત્યારબાદ ચાર્ટર પ્લેન પણ શરૂ કરવામાં આવશે. આ માટે હેલિકોપ્ટરની ખરીદી કરી લેવામાં આવી છે. તેમજ અનુભવી સ્ટાફની ભરતી પણ કરી લેવાઇ છે.
દિવાળીના તહેવારોમાં આ સેવા શરૂ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીના હસ્તે આ અનોખી સેવાનું ઉદઘાટન કરવા માટે હાલ તેમનો સમય મળવાની પ્રતીક્ષા કરાઈ રહી છે. આ અંગે ચોક્કસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પુજારા ટેલિકોમ દ્વારા આ નવા સાહસ માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે અને ્૩ છૈંઇ નામથી આ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવનાર છે. રાજકોટથી સોમનાથ અને દ્વારકા માટેની આ સેવામાં નિયત સમયનું રોકાણ કરી શકાશે. આ સમય કરતાં વધુ રોકાણ કરવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા રાજકોટ દર્શન કરાવવાની યોજના પણ હાલ વિચારણા હેઠળ છે. હેલિકોપ્ટર સેવામાં પણ સિનિયર સીટી ઝન માટે ખાસ કન્સેશન દર રાખવામાં આવશે. સોમનાથ તેમજ દ્વારકા માટે શરૂ કરવામાં આવનાર આ સેવાનો ઇમરજન્સી માટે પણ ઉપયોગ કરી શકાશે. અસામાન્ય સંજોગોમાં કોઈ દર્દીને અમદાવાદ કે મુંબઇ લઇ જવા માટે પણ આ હેલિકોપ્ટર ઉપયોગી બની રહેશે. ચાર્ટર હેલિકોપ્ટરની આ સેવાથી મહામૂલી માનવ જીંદગીને સમયસર સારવાર માટે પહોંચાડી જીવ બચાવી શકાશે.