હરિયાણાના મિર્ચપુર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ૨૦૧૦ના મિર્ચપુર કાંડમાં તમામ વીસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તમામ દોષિતોને એસસી-એસટી એક્ટ હેઠળ સજા ફટકારી છે. ૨૦૧૦ના હરિયાણાના મિર્ચપુર કાંડમાં અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા બે ડઝનથી વધારે દલિતોના મકાનોની આગચંપી કરી હતી.
આ મામલામાં દિલ્હીની નીચલી અદાલતે ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ત્રણ દોષિતો સિવાયના બાકીના ૧૭ લોકોને પણ મિર્ચપુર કાંડમાં દોષિત માનીને દિલ્હી હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટનું કહેવું છે કે આ ઘટનામાં અનુસૂચિત જાતિના ૨૫૪ પરિવારોના જીવન અસરગ્રસ્ત બન્યા હતા.
તેમને પોતાનું ગામ મિર્ચપુર છોડીને હિજરત કરવી પડી હતી. આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિના લોકો સાથે આવા પ્રકારની ઘટના બેહદ શરમજનક છે. અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ હજીપણ અત્યારારો ઓછા થયા નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે હરિયાણા સરકાર અસરગ્રસ્ત બનેલા અનુસૂચિત જાતિના લોકોનું પુનર્વસન કરે.
મિર્ચપુર કાંડની ઘટના આઠ વર્ષ જૂની છે. એપ્રિલ-૨૦૧૦માં હરિયાણાના મિર્ચપુરમાં ૭૦ વર્ષના એક અનુસૂચિત જાતિના વૃદ્ધ અને તેમની પુત્રીને જીવતા સળગાવી દેવાની કમનસીબ ઘટના બની હતી. બાદમાં આ ગામમાંથી દલિતોએ હિજરત કરી હતી. આ મામલામાં હુલ્લડ ભડકાવવાના સાત દોષિતોને દોઢ વર્ષની સજા મળી અને એક વર્ષના પ્રોબેશન પર દશ-દશ હજારના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા.