ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી સ્કોટ મોરિસન નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આ સાથે જ તેઓ માલ્કમ ટર્નબુલનું સ્થાન લેશે. પદ પરથી હટાવવામાં આવેલા માલ્કમ ટર્નબુલનના નજીકના સહયોગી મોરિસન પક્ષની અંદર બંધ બારણ થયેલા મતદાનમાં ૪૫ મતોથી જીત્યા હતા જ્યારે આ રેસમાં રહેલા પ્રતિસ્પર્ધી એવા પૂર્વ ગૃહ મંત્રી પીટર ડુટ્ટોનને ૪૦ મત મળ્યા હતા. મોરિસન સાથે તેમના જ સહયોગી વિદેશી મંત્રી જુલી બિશપ પણ આ રેસમાં હતા પરંતુ તેઓ પ્રથમ ચરણ બાદ બહાર થઈ ગયા હતા.
૫૦ વર્ષીય સ્કોટ મોરિસન લિબરલ પાર્ટી જેને કન્ઝર્વેટિવ પાર્ટી તરીકે ઓળખાય છે તેનું આગામી સામાન્ય ચૂંટણીમાં નેતૃત્વ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ચાલી રહેલી અફરાતફરી શાંત પડે તેવી સંભાવના છે.
ગત સપ્તાહે મોરિસને ટર્નબુલને સમર્થન આપ્યું હતું પરંતુ બાદમાં ડુટ્ટોન સામે તેઓ મજબૂત દાવેદાર તરીકે ઉભર્યા હતા. મોરિસનના ઈમિગ્રેશન અંગે કડક વલણને પગલે તેમને વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા હતા.
૨૦૦૭થી ઓસ્ટ્રેલિયામાં એકપણ વડાપ્રધાને સળંગ બે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો નથી. આ સાથે ગુરુવારે ટર્નબુલે જણાવ્યું હતું કે આવેલા પરિણામને પગલે તેઓ સંસદીમાં રાજીનામું આપશે.