રાજુલાની કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે નોકરી કરતા બ્રહ્મસમાજના એક આધેડનો મૃતદેહ સળગી ગયેલ હાલતમાં મળી આવતા પોલીસ તેમજ વકીલો આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ, રાજુલા કોર્ટમાં રમેશભાઈ કેશવલાલ વ્યાસ ઉ.વ.પ૬ રજીસ્ટ્રાર તરીકે નોકરી કરે છે. જેના પત્ની રાજુલા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે જ્યારે એક પુત્ર છે જે આરટીઓ ઈન્સ્પેક્ટર છે એક પુત્રી છે જે અભ્યાસ કરે છે. ગઈકાલે રમેશભાઈ લાપતા હતા જેની ગુમ થયેલની ફરિયાદ રાજુલા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આજરોજ સવારે ૧૧ કલાકે રાજુલા છતડીયા માર્ગ પર સુર્ય બંગલો પાસેથી બાવળની કાન્તમાંથી સળગી ગયેલ મૃતદેહ મળતા પોલીસ તેમજ ડીવાયએસપીનો કાફલો વકીલો આગેવાનો દોડી ગયા હતા.
લાશનું પંચનામુ કરી પીએમ માટે રાજુલા સીવીલ હોસ્પિટલમાં લવાયા હતા હવે લાશ કઈ રીતે સળગી તેની સામે મોટો પ્રશ્ન છે કારણ કે અવાવરૂ જગ્યાએથી લાશ મેળવી ર૦૦ મીટર દુર બાઈક મળવી તેમજ મરનારને કોઈ આર્થિક સંકડામણ કે કોઈ દુશ્મની નથી ત્યારે પોલીસ હાલ જીણવટભરી તપાસ કરી રહી છે.
મૃતકનું પેનલ પીએમ કરાશે : ડીવાયએસપી
આ લાશ મળ્યા બાદ ડીવાયએસપી માવાણી, પીઆઈ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડ્યો હતો ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, ઘટના કઈ રીતે બની સત્ય શું છે માટે હાલ લાશને પેનલ પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે. આવતીકાલે પીએમ રીપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત જાણવા મળશે.
બ્રહ્મસમાજ અને આગેવાનો ઘટનાસ્થળે દોડ્યા
ઘટનાની જાણ થતા સરકારી વકીલ રાજુભાઈ જોશી તેમજ વકીલ મંડળ આગેવાનો કનકભાઈ જાની પરશુરામ ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ ત્રિવેદી જીગ્નેશભાઈ સહિતના દોડી ગયા હતા.