શહેરના કાળાનાળા વિસ્તારમાં સંત કંવરરામ ચોક પાસે ગત મોડીરાત્રે બાઈક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે ત્યાં ઉભેલા યુવાન પર ફાયરીંગ કરી પેટના ભાગે ગોળી મારી લોહીયાળ હાલતે મુકી નાસી છુટ્યા હતા. બનાવ બનતા કાળાનાળા વિસતારમાં નાસભાગ મચી જવા સાથે ચક્ચાર ફેલાઈ જવા પામી હતી.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના સરદારનગર પાસે આવેલ ઝુલેલાલ બેકરીમાં નોકરી કરતા દિનેશભાઈ મોહનભાઈ રામચંદાણી ઉ.વ.ર૪ ગત રાત્રિના બે વાગ્યાના સુમારે કાળાનાળા ખાતે તેમની દિકરીની દવા લેવા આવ્યા હતા ત્યારે બાઈક પર આવેલચા ભરત ગોરધનદાસ વલેચા અને રવિ ધરમદાસ મટેવાળા પૈકી ભરત વલેચાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડ દિનેશ રામચંદાણી પર ફાયરીંગ કરી પેટના ભાગે ગંભીર ઈજાઓ કરી નાસી છુટ્યા હતા. બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ સાથે ચક્ચાર મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્ત દિનેશભાઈને લોહીયાળ હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ મથકના પીઆઈ રબારી સહિતનો સ્ટાફ દોડી જઈ બનાવ અંગેની ફરિયાદ નોંધી બન્ને ફરાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફાયરીંગ કરનાર ભરતે ર૦૦પમાં હત્યા કરી : ર૦૦૭માં સજા પડી હતી
સંત કંવરરામ ચોકમાં દિનેશ પર ફાયરીંગ કરનાર ભરત વલેચાએ ર૦૦પમાં કૈલાસ સિંધીની હત્યા કરી હતી. ર૦૦૭માં આજીવન સજા પડી અને પેરોલ પર જામીન મેળવી આવી દિનેશ પર પોલીસને બાતમી આપ્યાની દાઝ રાખી ફાયરીંગ કરી નાસી છુટ્યો છે. ભરતના પેરોલ જામીન ગત તા.૧૮ના રોજ પુરા થયા છે. જેમાં પણ તે ફરાર હતો.
ઈજાગ્રસ્ત દિનેશે પોલીસને બાતમી આપ્યાની દાઝથી ફાયરીંગ કર્યુ
ર૦૦પમાં હત્યા કરી નાસી છુટેલા ભરત વલેચાની દિનેશ રામચંદાણી અને ઝુલેલાલ બેકરી ધરાવતા સુરેશ જેઠાનંદ જેઓ ત્રણેય મિત્રો છે જેની બાતમી પોલીસને આપી ભરતને પકડાવ્યાની દાઝ રાખી ફાયરીંગ કર્યુ હોવાનું ખુલવા પામ્યું છે.