જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. જેમાંથી બે આતંકીઓને ઠાર કરાયા છે.
આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોને મોડી રાતે અનંતનાગના કોકેરનાગમાં આતંકીઓ હોવાની ખબર મળી હતી. જે પછી સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ મળીને સંયુક્ત સર્ચ અભિયાન ચલાવ્યું હતું અને આતંકીઓને ઘેરવામાં સફળતા મેળવી હતી.
આ દરમિયાન આતંકીઓને જાણ થઇ કે પોતે ઘેરાઇ ગયા છે પછી તેમણે ગોળીબારી કરવાની શરૂ કરી દીધી હતી. પછીથી સેનાએ આતંકીઓ પર પણ ફાયરિંગ કરી હતી. જાણકારી પ્રામાણે બંન્ને બાજુથી ગોળીબારી ચાલુ છે. અથડામણ વચ્ચે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.ગુરૂવારે રાતે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં લશ્કર-એ-તૈયબાના સંદિગ્ધ આતંકવાદીઓએ વન વિભાગના એક અધિકારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
વન વિભાગના અધિકારીની ગોળી મારી હત્યા
જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં ગુરુવારે મોડી રાત્રે લશ્કરે તૈયબાના આતંકવાદીઓ દ્વારા વન વિભાગના એક અધિકારી તારિક અહમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રમાણે. આતંકવાદી ટન્ગમર્ગના જંડપાલ વિસ્તારમાં આવેલા તારીક અહમદ મલિકના મકાનમાં ઘૂસી આવ્યા હતા અને તેમને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે મલિક ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.
પ્રારંભિક તપાસમાં લશ્કરે તૈયબાના આતંકવાદી યૂસુફ ડાર ઉર્ફે કટરુની સંડોવણી સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓએ બકરીઈદ પર ૪૮ કલાકમાં ત્રણ પોલીસકર્મીઓ અને ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી હતી. પુલવામામાં એક ઈન્સ્પેક્ટર મોહમ્મદ અશરફ ડારની તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી હતી. અશરફ કાશ્મીરના બડગામમાં તેનાત હતા અને ઈદની ઉજવણી માટે પોતાના ઘરે આવ્યા હતા.