પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી સાથે આવતીકાલે તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસનું એલાન કરનારા હાર્દિક પટેલને આજે મોટો ઝટકો મળ્યો હતો
ગાંધીનગર કલેકટરના આ નિર્ણયને પગલે હાર્દિકની છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. બીજીબાજુ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે. રાજયના તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેકટરે આજે પોલીસના અભિપ્રાય, સુરક્ષા સહિતના પાસા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત ખોરવાય નહી તે બાબતોને ધ્યાનમાં લઇને હાર્દિક પટેલને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસની મંજૂરી નહી અપાઇ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર કલેકટરના આ નિર્ણયના પગલે ઉપવાસ આંદોલન પહેલા જ હાર્દિકને આંચકો લાગ્યો છે. બીજીબાજુ, બધી આશાઓ પર પાણી ફરી વળતાં હવે હાર્દિક માટે પોતાના ઘરેથી જ ઉપવાસ આંદોલન કર્યા સિવાય છૂટકો ના હોઇ હાર્દિક અને તેના સમર્થકોએ હવે આ આ દિશામાં રણનીતિ ઘડી કાઢી છે અને આવતીકાલથી તેના ઘેરથી જ ઉપવાસ આંદોલનની શરૂઆત કરવાની તૈયારીઓ કરી છે.
આજે કેટલાક પાટીદાર સમાજના આગેવાનો છૂટાછવાયા તરીકે હાર્દિકના ઘેર મોડી સાંજે પહોંચ્યા હતા અને પોતાનો ટેકો જાહેર કરી હાર્દિકનું મનોબળ વધાર્યું હતું. હાર્દિકના આવતીકાલના ઉપવાસ આંદોલનને લઇ રાજયમાં ભારે ઉત્તેજના અને અજંપાભર્યો માહોલ પથરાયો છે ત્યારે બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળાય નહી તે માટે સરકાર અને પોલીસ તંત્રએ અગમચેતીના પગલા લીધા છે. ખાસ કરીને, પાટીદારોનું જયાં વર્ચસ્વ છે તેવા અમદાવાદ શહેરના નિકોલ, ઘાટલોડિયા, મહેસાણા, વિજાપુર, વિસનગર, સુરત સહિતના વિસ્તારોમાં લોખંડી સુરક્ષા કવચ તૈનાત કરી દેવાયું છે. દરમ્યાન હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે. દરમ્યાન વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલે રૂ.૨૦ હજાર ભરીને નીચલી કોર્ટમાંથી સોલવન્સી જામીન મેળવ્યા છે. આ અગાઉ ત્રણેયને વિસનગર કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને ત્રણ કલાકમાં જ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો અને તેથી આજે સોલ્વન્સી જામીનની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.
ઉપવાસ ચાલુ જ રહેશેઃ હાર્દિક
શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે જણાવ્યું કે, “પોલીસ રાજ્યમાં ઠેરઠેર પાસના કાર્યકરોની અટકાયત કરી રહી છે. કાર્યકરો અમદાવાદ સુધી ન પહોંચી તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ફાર્મહાઉસ ખાતે ૨૫મી ઓગસ્ટથી જેટલા પણ લોકો પહોંચી શકે તેની સાથે ઉપવાસ આંદોલન શરૂ કરી દેવામાં આવશે. અમને આશા છે કે શરૂઆતમાં લોકો ઓછો જોડાશે પરંતુ બે-ત્રણ દિવસ બાદ મોટી સંખ્યામાં લોકો જોડાશે.