બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે અભયમ્ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતુ જેમાં જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને ૧૮૧ અભયમ્ એપ્સની સાથે રાજ્ય સરકારશ્રીની મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતુ કે, ગુજરાતની મહિલાઓની સલામતી – સુરક્ષા માટે રાજ્ય સરકારે આગવું કદમ ઉઠાવ્યું છે. રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે અભયમ્ હેલ્પ લાઈનની સાથે અભયમ્ એપ્સ દ્વારા માત્ર એક ક્લીકથી મહિલાઓને કોઈપણ સમયે – કોઈપણ સ્થળે મુશ્કેલીના સમયમાં તુરંત જ મદદ મળી રહે તે માટેનું આગવા પ્રકારનું કાર્ય હાથ ધરાયું છે. તેમણે અભયમ્ દ્વારા સાચા અર્થમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષાની સાથે તેમને સલામતી બક્ષવાનું કાર્ય કરવામાં આવી રહયું છે, તેમ પણ જણાવ્યું હતુ.
તેમણે કહયું હતુ કે, બોટાદ જિલ્લામાં પણ અભયમ્ ની ટીમ કાર્યરત છે. જેના દ્વારા મહિલાઓના રક્ષણની સાથે તેમના કાઉન્સીલીંગ તેમજ કાયદાકિય માર્ગદર્શન પણ આપવામાં આવી રહયું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશ ગોધાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય અને મહિલાઓ સામાજિક – આર્થિક રીતે સક્ષમ બને તે માટેના સરકારના પ્રયાસો રહયાં છે. જેના ભાગ રૂપે રાજયમાં વિવિધ સરકારી વિભાગોમાં મહિલાઓની ભરતીની સાથે ૧૮૧ અભયમ્ થકી તેમને સલામતી – સુરક્ષા આપવાનું કાર્ય પણ રાજ્ય સરકારે કર્યું છે.
અભયમ્ મહિલા સંમેલનના પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમારે ઉપસ્થિત સૌને આવકારી ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈનની વિસ્તૃત રૂપરેખા આપી હતી.
આ તકે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોલીસ સ્ટેશન બેઝ્ડ સ્પોર્ટ સેન્ટરના કાઉન્સેલરો, ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પ લાઈન – બોટાદ સેન્ટરના કાઉન્સેલરો, મહિલા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્ત્રી આરોગ્ય કાર્યકરને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગના વિવિધ મહિલા લાભાર્થીઓને સાધન – સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.