પાકિસ્તાનમાં કરકસરના પગલાં લેવામાં આવશે અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના પગલા લેવામાં આવશે તેવા વચન પાળવાની દિશામાં કટિબદ્ધતા તરફ આગળ વધીને પાકિસ્તાનની કેબિનેટે હવે વડાપ્રધાન, પ્રમુખ સહિત ટોચના અધિકારીઓની ફર્સ્ટ ક્લાસ વિમાની યાત્રા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ફર્સ્ટ ક્લાસ વિમાની યાત્રા પર પ્રતિબંધ મુકવાના સંદર્ભમાં માહિતી આપતા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપરાંત રાજ્યના નાણાનો ઉપયોગ કરવાના અધિકારને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે પ્રમુખ, વડાપ્રધાન, ચીફ જસ્ટીસ, સેનેટ ચેરમેન, સ્પીકર અને રાજ્યના મુખ્યમંત્રી, ક્લબ બિઝનેસ ક્લાસમાં યાત્રા કરશે.
એક પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે આર્મી ચીફની ફર્સ્ટ ક્લાસ વિમાની યાત્રાની મંજુરી ન હતી અને તેઓ હંમેશા બિઝનેસ ક્લાસમાં યાત્રા કરતા હતા. આ અંગે પૂછવામાં આવતા ચૌધરી કોઈ જવાબ આપી શક્યા ન હતા. પાકિસ્તાનમાં માહિતી મંત્રીએ કહ્યું હતું કે પ્રમુખ, વડાપ્રધાન અને અન્ય અધિકારીઓ દ્વારા સ્ટેટ ફંડની ફાળવણીના અધિકારને પણ ખતમ કરી દીધો છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આ વર્ષે ફાળવણીના અધિકારનો ઉપયોગ કરીને ૫૧ અબજ ડોલર રૂપિયા ખર્ચ કર્યા હતા.
વિદેશી અને સ્થાનિક યાત્રાઓમાં ખાસ વિમાનના ઉપયોગને રોકવા અને બિઝનેસ ક્લાસમાં યાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૫મી જુલાઈના દિવસે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી ચૂંટાઈ આવી હતી. તે વખતે ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઓ ભવ્ય બંગલામાં પણ રહેશે નહીં. તેઓ એક નાનકડા હિસ્સામાં રહેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે વડાપ્રધાનના લશ્કરી સચિવ રહેતા હતા. આ ઉપરાંત ઈમરાન ખાને માત્ર બે ગાડી અને બે નોકરો રાખવાનો નિર્ણય કર્યો છે.