ભારત અને પાકિસ્તાનની સેના પહેલીવાર કોઈ સૈન્ય અભ્યાસમાં સાથે ભાગ લઈ રહી છે. આ અભ્યાસ રશિયામાં શંઘાઈ સહયોગ સંગઠન અંતર્ગત શુક્રવારે શરૂ કરવામાં આવ્યો છે. તેમાં એસસીઓના સભ્ય દેશ રશિયા, ચીન, ઉઝ્બેકિસ્તાન, તઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન સામેલ છે. ભારત અને પાકિસ્તાનને ગયા વર્ષે જૂનમાં આ સંગઠનના પૂર્ણકાલિન સભ્ય બનાવવામાં આવ્યા છે. આ અભ્યાસમાં રશિયાના ૧૭૦૦, ચીનના ૭૦૦ અને ભારતના ૨૦૦ સૈનિકો ભાગ લઈ રહ્યા છે.
ચીનમાં એપ્રિલમાં એસસીઓ બેઠક દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આ અભ્યાસમાં સામેલ થવા માટે મંજૂરી આપી હતી. આ દરેક આઠ દેશ શાંતિ મિશન ૨૦૧૮ અંતર્ગત અભ્યાસ કરી રહ્યા છે. સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું કે, આ અભ્યાસથી શંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ દેશને આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવશે. આ દરમિયાન સેનાની વચ્ચે વાતચીત, ઓપરેશનમાં આંતરિક સમજણ, જોઈન્ટ કમાન્ડની સ્થાપના, કંટ્રોલ સ્ટ્રક્ચર્સ અને આતંકી જોખમોનો સામનો કરવા માટે મોક ડ્રિલ જેવો અભ્યાસ કરાવવામાં આવશે.
આઠ સભ્યના એસસીઓ વિશ્વની ૪૦ ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્લોબલ જીડીપીમાં તેમની ભાગીદારી ૨૦ ટકા છે. ભારતનું માનવું છે કે, એસસીઓ સભ્ય તરીકે તેઓ વધતા આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારત ચીનની સાથે પણ સંયુક્ત અભ્યાસ કરી રહ્યો છે.