ત્રિવેણી સંગમમાં વાજપેયીની અસ્થિઓનું કરાયેલું વિસર્જન

1492

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થી કળશ યાત્રા આજે યોજવામાં આવી હતી. અસ્થિ કળશ યાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આરસી ફળદુ અને ભાજપના આગેવાનો તથા સ્થાનિક લોકો જોડાયા હતા. કળશ યાત્રા સોમનાથના વિવિધ રસ્તાઓ ઉપર ફરી હતી. ત્યારબાદ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિઓનું મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં રાજેન્દ્ર ભવન સર્કિટ હાઉસ ખાતેથી અસ્થિ કળશ યાત્રા નિકળી હતી. આજે વેરાવળ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે સોમનાથ યુનિવર્સીટી, સંજયનગર પાસેથી અસ્થિકૂંભ યાત્રા નિકળી હતી બપોરે સોમનાથ-ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, કેબીનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.સુરતની તાપી નદી, સિધ્ધપુરમાં સરસ્વતી નદી તથા સોમનાથ ત્રિવેણી સંગમમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે બપોરે સુરતમાં કામરેજ થી અસ્થિકૂંભ યાત્રા શરૂ થઈ હતી. ત્યારબાદ ૪.૦૦ વાગે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પાસે તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે આજે  સિધ્ધપુર ખાતે બપોરે ૩.૦૦ કલાકે આંબેડકર ચોકથી અસ્થિકૂંભ યાત્રા નીકળી હતી. ત્યારબાદ બીંદુ સરોવર, સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી તથા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. હવે ૨૭ ઓગષ્ટના રોજ વડોદરાની મહિસાગર નદી તથા ભરૂચની નર્મદા નદીમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે જ્યારે ૨૭મીએ જ વડોદરા ખાતે સવારે ૧૦.૦૦ કલાકે પંડિત દીનદયાળ ભવન, સયાજીગંજથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે અને ૧૨.૩૦ કલાકે ફાજલપુર પાસે મહિસાગર નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. ભાજપે કહ્યું છે કે, ૨૭મીએ ભરૂચ ખાતે બપોરે ૨.૩૦ કલાકે શ્રવણ ચોકડીથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ ઝાડેશ્વર,બીએપીએસ મંદિરના હોલમાં ૫.૦૦ થી ૬.૦૦ સર્વદલીય પ્રાર્થનાસભા અને સાંજે ૬.૩૦ કલાકે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અટલ બિહારી વાજપેયીનું તારીખ ૧૬ ઓગષ્ટના રોજ દુઃખદ્‌ અવસાન થયું હતુ. વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવનાર સ્વર્ગસ્થ અટલજી મહાન વક્તા, વિદ્વાન રાજનેતા, કવિહ્રદયી તથા પ્રખર દેશપ્રેમી હતા.

 

Previous articleગુજરાતમાં ભારે વરસાદની હજુ પણ આગાહી
Next articleનર્મદા ડેમની સપાટી ૧૧૮.૮૩ મીટર  ૪ દિવસમાં ૧૨૨ મીટરને ક્રોસ કરશે