હાર્દિક પટેલના ઉપવાસ શરૂ

2101

પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આજથી ભારે ઉત્તેજનાભર્યા અને અજંપાભર્યા માહોલ વચ્ચે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો તેના છત્રપતિ નિવાસ નામના નિવાસસ્થાને પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ સમગ્ર પાટીદાર સમાજમાં હાર્દિકના ઉપવાસને લઇ ભારે ઉત્સાહ અને સમર્થનનો માહોલ સર્જાયો હતો. જો કે, સરકાર અને પોલીસ તંત્રએ કોઇપણ ભોગે હાર્દિકના ઉપવાસ આંદોલનને તોડી પાડવાના ભાગરૂપે કલમ-૧૪૪ લાગુ કરી દઇ પાટીદારોને ઉપવાસ આંદોલન સ્થળે જતાં અટકાવાયા હતા.

જો કે, તેમછતાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો અને અન્ય ૧૦૦ જેટલા પાટીદારો હાર્દિકના ઉપવાસ સ્થળ સુધી છૂટાછવાયા પહોંચવામાં સફળ થયા હતા અને હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાઇ તેને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકના ઉપવાસ આંદોલનને ખુલ્લુ અને જાહેર સમર્થન આપતાં રાજકારણ ગરમાયું હતું. તો, હાર્દિકના ઉપવાસમાં અપક્ષ ધારાસભ્ય અને દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. રાજયભરમાંથી હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાવા અને તેના સમર્થનમાં આવી રહેલા આશરે ૧૬ હજારથી વધુ પાટીદારોની આજે જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવતાં પાટીદાર સમાજમાં તેના ઉગ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

આજે બપોરે ત્રણ વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ કરાયેલા હાર્દિકના ઉપવાસ આંદોલનમાં આમ તો, એકંદરે પાટીદારોની પાંખી અને છૂટીછવાઇ હાજરી વર્તાતી હતી કારણ કે, પોલીસે પહેલેથી જ કલમ-૧૪૪ લાગુ કરી દીધી હોઇ પાટીદારો મુકત રીતે ઉપવાસ સ્થળ સુધી પહોંચી શકયા ન હતા. તેમછતાં કેટલાક મક્કમ આગેવાનો છૂટીછવાઇ રીતે યેનકેન પ્રકારે હાર્દિકના નિવાસસ્થાને પહોંચવામાં સફળ રહ્યા હતા. તો, કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ હાર્દિકની સાથે જોડાવામાં સફળ રહ્યા હતા. હાર્દિકના ઉપવાસ સ્થળે જઇ રહેલા પાસના અગ્રણી દિનેશ બાંભણિયાની પોલીસે વૈષ્ણોદેવી પાસે જ અટકાયત કરી લીધી હતી. જેને લઇ પાટીદારોમાં ઉગ્ર રોષ પ્રવર્તયો હતો. આ જ પ્રકારે હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ આવતા પાસ આગેવાન અને પાટીદારોની પોલીસે બહુ પ્લાનીંગ સાથે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. મહેસાણામાં સુરેશ ઠાકરે અને સતિષ પટેલ સહિતના પાટીદારોની અટકાયત કરાઈ હતી તો, બનાસકાંઠામાં ૧૯ પાટીદાર યુવાનોને પાલનપુરથી અટકાયત કરી લેવાઇ હતી. આ જ પ્રકારે પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલની કાલોલથી અટકાયત કરાઈ હતી અને સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ હતી. રાજયભરમાંથી હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાવા અને તેના સમર્થનમાં આવી રહેલા આશરે ૧૬ હજારથી વધુ પાટીદારોની આજે જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવતાં પાટીદાર સમાજમાં તેના ઉગ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ હાર્દિકના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા હતા. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરતી હતી અને તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપતી હતી. સરકાર અને પોલીસ તંત્રના ઉપવાસ આંદોલન તોડવાના હીન પ્રયાસને હાર્દિકે આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો અને સરકાર અને તંત્ર પર પ્રહારો કરી ગંભીર આરોપ લગાવ્યા હતા. એટલું જ નહી, રાજયભરમાં પાટીદારો સહિત અન્ય સમાજના લોકોને પણ ન્યાયની આ લડાઇમાં જિલ્લા-તાલુકા કક્ષાએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની જાહેર અપીલ કરી હતી. હાર્દિકના ઉપવાસ આંદોલનને લઇ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ, મહેસાણા, વિસનગર, વિજાપુર, સુરત સહિતના સંવેદનશીલ સ્થળો અને અન્ય વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઆરપી સહિતની સુરક્ષા જવાનોની ફૌજ ખડકી દીધી હતી અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કર્યું હતું. તા.૫ સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

હાર્દિકનું ઉપવાસ આંદોલન કોંગ્રેસ પ્રેરિતઃ નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાર્દિક પટેલના ઉપવાસ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે. તેઓ સમાજને તોડવા અને ભાગલા પડાવવા માટે કામ કરી રહ્યાં છે. આવા લોકોને ગુજરાતની જનતા જાણે છે.

તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. સરદાર પટેલે લોકોને જોડ્યા અને કોંગ્રેસે લોકોને તોડવાનું કામ કરી રહી છે. કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિરીક્ષણ કરવા અહીં આવી પહોંચેલા નીતિન પટેલે આમ જણાવ્યું હતું.

હાર્દિક પટેલે ઉપવાસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેણે કહ્યું હતું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. ગુજરાતમાંથી ૧૬ હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો હતો.

૧૬ હજાર કાર્યકરોની નહીં માત્ર ૧૫૮ લોકોની અટકાત કરાઈ છે : ડીજીપી

હાર્દિક પટેલે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે અત્યાર સુધી રાજ્યમાં ૧૬ હજાર પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. જેના પ્રત્યુત્તરરૂપે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં માત્ર ૧૫૮ પાટીદારોને ડિટેઈને કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

એડિશનલ ડીજીપીએ જણાવ્યું હતું કે, ગઈ ૨૫મી ઓગસ્ટે ૨૦૧૫માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં મોટાપાયે તોફાનીઓએ તોફાન મચાવ્યા હતા. જેના કારણે સરકારી મિલકતોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા પણ સુરતમાં બસ સળગાવવામાં આવી હતી.

જેને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી આપવામાં આવી.

બ્રહ્મભટે વધુમાં જણાવ્યું હતું કે , અત્યાર સુધી ગુજરાતભરમાંથી ૧૫૮ પાટીદારોને ડિટેઈન કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ સામાજિક ખલેલ પહોંચાડી તોફાનની પરિસ્થિતિનું નિર્માણ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. બહારથી આવીને શહેરમાં ભેગા થશે અને પોલીસને દહેશત લાગશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.

અમારી છાતીમાં ગોળી ધરબી દો, આ લડાઈ ચાલુ જ રહેશે : હાર્દિક

હાર્દિકે જણાવ્યું કે, ત્રણ વાગ્યે ઉપવાસ શરૂ કરીશ, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૬ હજાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો, આ લડાઈ ચાલુ રહેશે.

પાંચ શહેરોમાં ૧૪૪મી કલમ લાગુ

પાસ આગેવાન હાર્દિક પટેલ અનામતની માંગણી માટે આજથી આમરણાંત ઉપવાસ શરુ કરે તે પેહલા પાંચ શહેરોમાં ૧૪૪મી કલમ પોલીસે લાગુ કરી છે.જેમાં અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ,અમદાવાદનો સમાવેશ થાય છે.અમદાવાદમાં તો પોલીસની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.હાર્દિક પટેલના ઘર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Previous articleભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદીના હસ્તે ઉદ્‌ઘાટન થશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે