આજે રવિવાની રજાના દિવસે રક્ષાબંધન અને શ્રાવણી સુદ પૂનમનો અનોખો સંયોગ સર્જાયો હોવાથી શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિર, યાત્રાધામ શામળાજી સહિતના તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે બહેન સુભદ્રાજી દ્વારા ભાઇ જગન્નાથજી અને બલરામને સવારે ૧૦-૦૦ વાગ્યે રાખડી બાંધવામાં આવી હતી. આજની રક્ષાબંધન નિમિતે ભગવાન જગન્નાથજી અને ભાઇ બલભદ્રજીને સોનાની રાખડી બાંધવામાં આવી હતી. આજે રક્ષાબંધન નિમિતે બહેન સુભદ્રાજી અને ભગવાનને વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. તો યાત્રાધામ ડાકોર અને શામળાજી ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં રણછોડરાયજી અને શામળાજીને પ્રેમ અને ભાવ સાથે રાખડી અર્પણ કરી હતી. દરમ્યાન જગન્નાથજી મંદિર ખાતે મહંત દિલીપદાસજી મહારાજને હિન્દુ બહેનોની સાથે સાથે મુસ્લિમ બહેનો દ્વારા ભારે હેત સાથે રાખડી બાંધવામાં આવી હતી, જેને લઇ કોમી એકતા અને ભાઇચારાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.