પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કન્વીનર હાર્દીક પટેલ દ્વારા અમદાવાદમાં આમરણાંત ઉપવાસની જાહેરાતને લઇને સમગ્ર રાજયમાં પોલીસને સાબદી રખાઈ છે. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા પણ પાટીદાર પ્રભાવીત વિસ્તારોમાં વોચ રાખવા સાથે જિલ્લામાંથી નિકળીને અમદાવાદને જોડતા તમામ હાઇ-વે પર પોલીસ વોચ ગોઠવાઈ હતી.
ઉતર ગુજરાતનાં જિલ્લાઓનાં બોર્ડર પોઇન્ટ તથા વૈષ્ણોદેવી સર્કલ સહિતની જગ્યાએ વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લાગતા વાહનોને અટકાવીને પુછપરછ કરાઈ હતી. જોકે સાંજ સુધીમાં કોઇને ડીટેઇન કરાયા નથી. રાત્રી દરમિયાન પહેરો કડક રખાયો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. દહેગામ નજીક મુખ્ય માર્ગો પર બંદોબસ્ત ગોઠવાયો હતો.