ઓમ નમ શિવાયના જાપોથી આજે બધા શિવાલય ગુંજશે

919

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે આવતીકાલે સવારથી જ શિવમંદિરોમાં ભારે ભીડ જામશે. શ્રદ્ધાળુઓમાં ભગવાન શિવના દર્શનને લઇને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ ત્રીજા સોમવારને લઇને પણ ઉત્સુક બનેલા છે.

શ્રાવણ માસ દરમિયાન અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના પવિત્ર જયઘોષથી ગુંજી રહ્યા છે.

દેવાધિદેવ મહાદેવના દર્શન, દૂધ-જળાભિષેક, બિલ્વપત્રનો અભિષેક, ચોખા,કાળા તલ સહિતના ધાન્યનો અભિષેક કરવા શ્રધ્ધાળુ ભકતોએ ખૂબ મોટી સંખ્યામાં પડાપડી કરી રહ્યા છે. આવતીકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના ઐતિહાસિક તીર્થધામોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડશે. સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવ તો શ્રાવણ માસને લઇ બહુ જ આકર્ષક અને દિવ્યતા સાથે શણગારાયું છે. તો આ વખતે સૌપ્રથમવાર સોમનાથ મહાદેવ મંદિરને બે હજારથી વધુ એલઇડી લાઇટોથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જેને લઇ મંદિરની શોભામાં અદ્‌ભુત વધારો થયો છે. તો, શ્રાવણ માસને લઇ તમામ શિવમંદિરોમાં ભોળાનાથના વિશેષ સાજ-શણગાર અને પૂજન-અર્ચન અને આરતી-પ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે.  શિવભકતોમાં ઉપવાસ, તપ, આરાધના અને ભકિતનો માહોલ છવાયો છે. આ વર્ષે પુરુષોત્તમ માસને કારણે શ્રાવણમાસનો પ્રારંભ ગયા વર્ષની સરખામણીએ ૧૮ દિવસ મોડો થયો છે તેમજ આ વર્ષે શ્રાવણમાસનો પ્રારંભ અને સમાપન બંને રવિવારના દિવસે થનાર છે. આ વર્ષે પવિત્ર શ્રાવણમાસમાં ચાર સોમવાર આવશે જે પૈકી ત્રીજો સોમવાર આવતીકાલે છે.  શ્રાવણના સોમવારે શિવભક્તિનું બહુ શાસ્ત્રોકત અને અનન્ય મહાત્મ્ય રહેલું છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો હોવાને કારણે શ્રાવણમાસ અને રક્ષાબંધન, દિવાળી રહિતના તહેવારો પણ ૧૮થી ૨૦ દિવસ મોડા આવી રહ્યા છે. શ્રાવણ માસમાં અમદાવાદના સુપ્રસિધ્ધ રખિયાલના ચકુડીયા મહાદેવ, રાયપુર ચકલાના ચકુડીયા મહાદેવ, થલતેજ ખાતેના કૈલાસ ટેકરી, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, બોડકદેવના પારદેશ્વર મહાદેવ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, મહામત્યુજંય મંત્રના જાપ ગુંજી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ, દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં પૂજન-અર્ચન, મહાઆરતી, શિવપુરાણ, દૂધ-જળ, ધન-ધાન્યનો અભિષેક કરી શિવભકિતના માહોલમાં મગ્ન બન્યા છે. શિવજીને ભોળાનાથ કહેવાય છે કારણ કે, તે ભોળા દેવ છે, ભકતો પર ખૂબ જલ્દીથી પ્રસન્ન થાય છે. બીજા દેવી-દેવતાઓને રીઝવવા ભારે કષ્ટિ વેઠવી પડે પરંતુ ભોળાનાથ તો, માત્ર એક લોટા જળથી પ્રસન્ન થાય છે અને રીઝી જાય છે. ભોળાનાથ એકમાત્ર એવા દેવ છે જેને તમે ગમે ત્યારે દર્શન માટે ઉઠાડી શકો છો અને ગમે તે સમયે ભકિત કરી શકો છો. શિવાલયમાં કયારયે તાળા નથી હોતા તેનું એ જ કારણ મુખ્ય છે. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સોમવાર શિવજીને અતિપ્રિય વાર છે. સોમવારે શિવાલયોમાં ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી, યજ્ઞ, શિવધૂન, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સોમવાર હોવાથી શિવાલયોમાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટશે, શિવભકિતનો માહોલ છવાશે. શ્રાવણ માસનું નામ શ્રવણ નક્ષત્ર ઉપરથી પડ્‌યું છે. સત્તાવીસ નક્ષત્રોમાં બાવીસમું નક્ષત્ર શ્રવણ છે. શ્રાવણ માસ એ વિક્રમ સંવતનો દસમો મહિનો ગણાય છે. શ્રવણનો એક અર્થ સાંભળવું અને બીજો એક અર્થ છે વેદોનું અધ્યયન. ભગવદ્‌કથા સાંભળવી, શાસ્ત્રોનું અધ્યયન કરવું એ માટે જે માસ નક્કી થયો તે શ્રાવણ. શ્રાવણ એટલે તહેવારોનો અન્નકૂટ. નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, તુલસીદાસ જયંતી, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, વ્રતની પૂનમ, ચાતુર્માસ, હિંડોળા, બોળચોથ, જન્માષ્ટમી, પર્યુષણ મહાપર્વ, ફૂલકાજળી વ્રત, જેવા અસંખ્ય પવિત્ર તહેવારોથી શ્રાવણ માસ બારેય માસમાં અધિક પવિત્ર માસ ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભકિત ધાર્યુ અને ઇચ્છિત ફળ સરળતાથી અપાવે છે.

Previous articleદુર્ગાવાહીનીઓએ જવાનોને રાખડી બાંધી
Next articleજૂની હીરોઈનોમાં મધુબાલા અને નવી હિરોઈનોમાં કેટરિના કૈફ વધુ પસંદ છે : સલમાન ખાન