રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે જ આજે સુરતના પલસાણા-કડોદરા હાઈવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થઇ ગયા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ઇનોવા કારમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ ટુકડી અને સ્થાનિક લોકો પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ઇનોવા કારમાં મુસાફરી કરી રહેલા લોકોના મોતથી સનસનાટી મચી ગઈ હતી.
મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ મોડે સુધી ચાલ્યા હતા પરંતુ ઓળખવિધિ થઇ શકી ન હતી. મુંબઈથી અમદાવાદ જતાં પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતના કારણે પલસાણા-કડોદરા માર્ગ ઉપર થોડાક સમય માટે વાહન વ્યવહારને પણ અસર થઇ હતી. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
અકસ્માત એટલો ભયંકર અને જોરદાર હતો કે, ટ્રકની ટક્કરમાં ઇનોવા કારનો ભુક્કો બોલી ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર સુરતના પલસાણા-કડોદરા નજીક આવેલા કરણ ગામના પાટીયા પાસે એક ઈનોવા કાર(જીજે- ૬- ઈડી-૦૭૭૬ )અને ટ્રક(જીજે- ૩૧ ટી – ૩૬૯૬) વચ્ચે જોરદાર રીતે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર અને ભયંકર હતો કે, માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકની સાથે અથડાયેલી ઇનોવા કારનો ભુક્કો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. જેને પગલે ઈનોવા કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇનોવા કારમાં બહુ ખરાબ રીતે ફસાયેલા અને અકાળે મોતને ભેટેલા અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તમામ લોકોને સ્થાનિક નાગરિકોએ કારમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને એકસાથે છ વ્યકિતઓના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.