મનમોહન સિંહે કેન્દ્ર સરકારને ’તીન મૂર્તિ કોમ્પ્લેક્સ’ સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીના સ્વરૂપને બદલવાની કોશિશ ન કરવા જણાવ્યું છે. તેમણે આ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે તીન મૂર્તિના સ્વરૂપને બદલવાના વિચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં પૂર્વ વડાપ્રધાને લખ્યું છે કે નહેરૂ ફક્ત કોંગ્રેસના જ નહીં પરંતુ આખા દેશના નેતા હતા, પરંતુ સરકાર એજન્ડા હેઠળ તેમની સાથે જોડાયેલા બંને સ્થળોનું સ્વરૂપ અને પ્રકૃતિ બદલવા માંગે છે. ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા આ પત્રમાં મનમોહનસિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વાજપેયીએ પોતાના ૬ વર્ષના કાર્યકાળ દરમિયાન એકવાર પણ બંને સ્થળોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ આ સરકારે તેને એજન્ડા બનાવી દીધો છે.
મનમોહન સિંહે કહ્યું કે સરકારની સંશોધન નીતિ ક્યારેય નહેરૂની ભૂમિકા અને ભારતના નિર્માણમાં તેમના યોગદાનને ઓછું નહીં આંકી શકે. તેમણે નહેરૂના અવસાન પછી સંસદમાં અટલ બિહારી વાજપેયીના ભાષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે વાજપેયી પોતે કહેતા હતા- હવે કોઇપણ તીન મૂર્તિની શોભા પંડિતજીની જેમ ન વધારી શકે. તેમના જેવું જીવંત વ્યક્તિત્વ, વિપક્ષને સાથે લઇને ચાલવાની તેમની આવડત, તેમની સજ્જનતા અને મહાનતા કદાચ જ ભવિષ્યમાં ક્યારેક દેખાય. મતભેદો છતાં, તેમના આદર્શો, દેશપ્રેમ અને અતુલનીય સાહસ માટે તમામના મનમાં તેમના માટે સન્માન છે.
પૂર્વ વડાપ્રધાને કહ્યું, “તીન મૂર્તિ દેશને ઊભો કરનારા પહેલા વડાપ્રધાનની સ્મૃતિ છે. તેમની વિશિષ્ટતા અને મહાનતાને તેમના રાજકીય વિરોધીઓ પણ સ્વીકારતા હતા. આપણે ઇતિહાસ અને વારસાનું સન્માન કરીને તીન મૂર્તિને જેવું છે તેવું જ છોડી દેવું જોઇએ. સાથે જ નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીને પણ ઉત્કૃષ્ટતાનું સંસ્થાન બનાવી રાખવું જોઇએ.