કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલથી કેરળના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. કોંગ્રેસ પ્રમુખ સૌથી પહેલા કેરળના પાટનગરમાં પહોંચશે. થિરુવનંતપુરમથી રાહુલ ગાંધી અન્ય વિસ્તારોની મુલાકાત લેશે. પ્રથમ દિવસે કેટલાક વિસ્તારમાં પહોંચ્યાબાદ બીજા દિવસે રાહુલ ગાંધી વાયનડ જિલ્લાની મુલાકાત લેનાર છે. મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી થિરુવનંતપુરમ પહોંચ્યા બાદ ચેંગનોડ, અલાપ્પુજા અને અન્ય વિસ્તારોમાં જશે. ત્યારબાદ યાત્રાના બીજા દિવસે વાયનાડ વિસ્તારમાં જશે. અગાઉ ૨૪મી ઓગષ્ટના દિવસે રાહુલ ગાંધીએ કેરળના લોકોની સાથે તમામ લોકો ઉભા હોવાની વાત કરી હતી. કેરળમાં પુરના કારણે ભારે નુકસાન થયુ છે. લાખોની સંખ્યામાં લોકો હાલમાં રાહત છાવણીમાં છે. આ વખતે ઓણમ પર્વની ઉજવણી પણ પુરના કારણે લોકો જોરદાર રીતે ઉજવી શક્યા નથી. કારણ કે પુરના પાણી કેટલાક વિસ્તારમાં તો હજુ ઉતર્યા નથી. દેશના જુદા જુદા ભાગોમાં પુરના કારણે આ વર્ષે હજુ સુધી ૯૯૩ લોકોના મોત થયા છે. રાહત કેમ્પોંમાં રહેલા લોકોની સાથે સાથે મુશ્કેલમાં મુકાયેલા લોકો સુધી તમામ સહાયતા પહોંચાડી દેવાની બાબત ખુબ મુશ્કેલરૂપ બનેલી છે.કેરળમાં આ વર્ષના પુરને સદીના સૌથી વિનાશકારી પુર તરીકે ગણવામાં આવે છે. પુરના પાણી ઉતરી રહ્યા છે ત્યારે હવે રોગચાળો અને મોટી સંખ્યામાં ઝેરી સાંપનો ખતરો રહેલો છે.