પાસ નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલે શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સાથે ખાસ બેઠક કર્યા બાદ ભાજપમાં જોડાઈ જવાની જાહેરાત કરી. આ જાહેરાતની સાથએ જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપની પરંપરાગત ગણાતી વોટ બેંકમાં કોંગ્રેસે પાટીદાર આંદોલનને સાથ આપીને સેંધ લગાવવાની કોશિશ કરી છે.આમ છતાં ભાજપના ચાણાક્ય ગણાતા અમિત શાહે ગુજરાતમાં ઉભરી રહેલા પાટીદાર આંદોલન થકી નવા નેતાઓ પૈકી રેશમા પટેલ અને વરુણ પટેલ સાથે બેઠક કરી હતી. અમિત શાહ પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવામાં આંશિક સફળતા મેળવી છે. અમિત શાહ સાથેની બેઠક પછી આ બંને નેતાઓએ પોતાના ૪૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જવાની વિધિવત જાહેરાત પણ કરી દીધી છે. હાર્દિક પટેલના બે નજદિકિ નેતા ભાજપમાં જોડાઈ જવાથી તેને મોટો ફટકો પડ્યો છે. વરુણ પટેલે ભાજપમાં જોડાતા હાર્દિક પટેલ વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી હતી.
આ બંને નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. એક વખત ભાજપ સામે જોરશોરથી વિરોધ કરનારા અને પાસના પ્રવક્તા વરુણ પટેલ અને મહિલા નેતા રેશ્મા નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. વરુણ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી વખતે ખોટાં વચનો આપી સમાજની વોટબેંક પોતાના નામે કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે અમે નહીં થવા દઇએ. સરકારે અમારા મુદ્દાઓને સાંભળ્યા છે અને આવનારા સમયમાં આ અંગે ઠોસ પગલાં લેવાની વાત કરતાં અમે ભાજપમાં જોડાયા છે.
હાર્દિક પટેલ બાદ મહિલા પાટીદાર નેતાઓમાં રેશ્મા પટેલ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. અમિત શાહને મળ્યા પછી રેશ્માએ હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. પાસ નેતા રેશ્મા પટેલે નિવેદન આપ્યું હતું કે અમારી માગણી સંતોષવામાં આવી છે. આંદોલન હાર્દિક પટેલનું નહીં, પણ પાટીદાર સમાજનું છે.
વરુણ પટેલે પાસ નેતા વરુણ પટેલે નિવેદન આપતા કહ્યું કે પાટીદાર સમાજના સિપાહી કાલે હતા આજે પણ છીએ. ૪ માગણીઓ માટે કોંગ્રેસે સ્ટેન્ડ ક્લીયર નથી કર્યું. કોંગ્રેસ પાટીદારોને કોઈ સ્ટેન્ડ આપવા માગતી નથી. ખાલી પાટીદાર મતબેંકનો દુરુપયોગ કરવાની માનસિકતા ધરાવે છે. કોંગ્રેસ ખોટાં સપના દેખાડે છે. કોંગ્રેસે આજ સુધી મંત્રણા માટે પણ નથી બોલાવ્યા.
રેશ્મા પટેલ અને વરુણ પટેલ એમ બે મોટા પાટીદાર નેતાઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ પાસ નેતાઓના ભાજપ પ્રવેશ બાદ હજી પણ એક વધું પાસ નેતા ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ પહેલાં કેતન પટલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.વરુણ પટેલ અને રેશમા પટેલના ભાજપ પ્રવેશને પગલે પાટીદાર અનામત આંદોલનકારીઓમાં સોદાબાજી શરૂ થઈ છે. અન્ય પાસ આગેવાને વરુણ અને રેશ્મા પટેલ સમાજના ગદ્દાર ગણાવ્યા હતા. તેમણે આ બંને નેતાઓ પર આરોપ મૂક્યો છે કે તે પાટીદારો માટે નહોતા લડતા. વરુણ અને રેશ્માએ રાજકીય રોટલો શેક્યો છે. વરુણ અને રેશ્માએ સમાજને છેતર્યો છે.