ગાંધીનગરમાં થોડાક વિરામ બાદ ફરી એકવાર દબાણખાતાએ સેકટર – ર૪ના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ર૪ થી કરેલી શરૂઆત ફરી એકવાર દબાણખાતાની નીતિ પ્રત્યે નગરજનોમાં શંકાકુશંકા સેવનારી અને ચર્ચાનો વિષય બની છે. લારી-ગલ્લા બાદ પાકી દુકાનોના દબાણો, જુના સચિવાલયના દબાણો તથા પથિકાશ્રમ પાછળ હટોલા દબાણ ફરી પૂર્વવત થઈ ગયા છે. ત્યારે મોટા માથાના દબાણો શા માટે છોડી દેવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. અને કેટલાક નાગરિકોએ ભાજપાના શાસન સામે જ આંગળી ચીધી મોટા માથાને બચાવવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. સે-ર૪ ના બદલે ધારાસભ્યો તથા આઈપીએસ જયાં સૌથી વધુ છે તેવા સેકટર – ૧ તથા સેકટર – ૮ થી દબાણની શરૂઆત થઈ હોત તો લોકોને તેમના દબાણ ખસેડવા તરફ વિશ્વાસ બેસત. નહીં તો ફરી મોટાને કશું થવાનું નથી અને દબાણના નામે નાના ગરીબ માણસોને પરેશાન કરવામાં આવે છે તે સાચુ પડી રહ્યું છે.