ભાવનગર જિલ્લાના સેંકડો ગામોમાં લાંબા સમયથી નિલગાય, રેઢીયાર પશુઓ તથા જંગલી ભુંડ દ્વારા ખેતપેદાશોને ભારે નુકશાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઉપદ્રવ દુર કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના ખાસ કરીને તળાજા, મહુવા, પાલીતાણા તથા જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વર્તમાન સમયે વાડી ખેતરોમાં રહેલ મોલાતના અસ્તિત્વ પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. સીમ, વગડે રોઝડા, રેઢીયાર પશુઓ અને જંગલી ભુડના વિશાળ ઝુંડ ખેડૂતોની કિંમતી ફસલ બરબાદ કરી રહ્યાં છે. ધરતીપુત્રોએ લોહી પરસેવો એક કરી મોંઘા ભાવના બિયારણોની વાવણી કરી મોલાત મોટી કરી રહ્યાં છે ત્યારે પશુઓના ત્રાસને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે. આ અંગે કિસાનો માંગ કરી રહ્યાં છે કે પશુઓના ત્રાસમાંથી તંત્ર પગલા લે.
ચરાણોની જગ્યા છીનવાતા પ્રશ્ન પેચીદો બન્યો
નાના-મોટા તમામ ગામડાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગામ સીમમાં ખરાબાની પડતર પડેલી જગ્યાઓ ગૌચરણો પર કબ્જોવાળી લેવામાં આવ્યો છે. લોકો મોટી જગ્યાઓ પર ગેરકાયદે કબ્જોવાળી આવા સ્થાનો પર ખેતી વ્યવસાયી એકમો અને મકાનો ચણી લેવામાં આવ્યા છે. જેને લઈને વનવગડે વિહરતા તૃણાહારીઓ તથા પશુઓના મોએથી ચારો છીનવાઈ ગયો છે. જેને કારણે ભુખ્યા પશુઓ પોતાની ક્ષુધ્ધા અગ્ની તૃપ્ત કરવા ખેડૂતોના વાડી ખેતરોમાં જઈ ચડે છે અને પશુઓ-ખેડૂતો સાથે સંઘર્ષ થાય છે. આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા ગૌચરણો અને સરકારી જમીનો દબાણ મુક્ત કરી પડતર જમીનોમાં જંગલી ઘાસ ઉગે તેવા પ્રયત્નો કરવા જોઈએ.