મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરની મધ્યમાં આવેલા બિઝનેસ સેન્ટર ખાતે ગેરકાયદેસર દુકાનો તોડી પડાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને વેપારીઓ તથા અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી થતા પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો. બાદમાં તંત્રએ પાંચ દુકાનો તોડી પાડવામાં આવેલ.
મહાપાલિકાના કમિશ્નરની સુચનાથી પાર્કિંગનો પ્રશ્ન નિવારવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે શહેરની મધ્યમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં સવારથી જ દબાણ હટાવ ટીમ પહોંચી ગઈ હતી અને પાર્કિંગની જગ્યામાં તેમજ પ્રથમ માળે બનાવવામાં આવેલી પાંચ જેટલી ગેરકાયદે દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓ એકઠા થઈ ગયા હતા. સંચાલન કરતા હોદ્દેદારો પણ દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. જેના કારણે તુરંત જ પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો હતો અને તંત્રએ પાંચ જેટલી ગેરકાયદે દુકાનો તોડી પાડી હતી અને બે દુકાનો ખાલી કરાવાઈ હતી. શહેરની મધ્યમાં આવેલ બિઝનેસ સેન્ટર કમ્પલીશનના મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને કોમ્પ્લેક્ષ બનાવનાર બિલ્ડરે પણ હાથ ઉંચા કરી દીધા હોય કોમ્પ્લેક્ષનો વહિવટ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ર૦૦૩માં રિવાઈઝ પ્લાન મુક્યો હોવા છતાં બાંધકામો તોડાયા !!
વર્ષ ર૦૦૦માં બિઝનેસ સેન્ટરનો પ્લાન બિલ્ડર સુવિધા એસોસીએટ દ્વારા મહાપાલિકામાં પંલાન મુકવામાં આવેલ ત્યારબાદ મેન્ટેનન્સનો ખર્ચ કાઢવાના હેતુથી પાર્કિંગની કેટલીક જગ્યામાં પાંચેક દુકાનો બનાવવા માટે ર૦૦૩માં રિવાઈઝ પ્લાન મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સમયના કલેક્ટર દ્વારા બિઝનેસ સેન્ટર હેતુ ફેર સહિતના મામલે નોટીસો આપતા કોર્ટ મેટર થયેલ છે ત્યારે આજે અધિકારીઓ દબાણ હટાવવા આવતા તેઓ ર૦૦૦ની સાલના કમ્પલીશનના કાગળો લાવેલ. જ્યારે હાલના સંચાલન કરતા વેપારીઓએ ર૦૦૩માં રિવાઈઝ પ્લાન મુક્યો છે અને તેની પહોંચ પણ બતાવવા છતાં અધિકારીઓ એકના બે થયા ન હતા અને દુકાનો તોડી પાડી હોવાનું સુનિલભાઈ મકાતીએ જણાવ્યું હતું. વેપારીઓ દ્વારા મેયર, ચેરમેન સહિતને પણ આ અંગે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.