દેશના મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ

1254

પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહી છે. આજે દેશભરમાં પસંદગીના સ્થળો ઉપર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ઉપર જંગી બોજ પડ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં અન્ય શહેરોની સાથે કિંમત વધારી દીધી હતી. આજે ડીઝલની કિંમત દિલ્હીમાં ૬૯.૪૬, મુંબઈમાં ૭૩.૭૪, કોલકાતામાં ૭૨.૩૧ અને ચેન્નાઈમાં ૭૩.૩૮ સુધી પહોંચી હતી. દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં કિંમત સૌથી ઉંચી પહોંચી છે. લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટની કિંમત બેરલદીઠ ૭૬ ડોલર સુધી પહોંચી છે. બીજી બાજુ રૂપિયો અમેરિકી ડોલર સામે ૭૦.૧૬ની ઓલટાઈમ નીચી સપાટીએ પહોંચ્યો છે. ૧૬ ઓગસ્ટ બાદથી ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડાના લીધે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી છે. છેલ્લા ૧૨ દિવસમાં જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭ પૈસા અને ડીઝલની કિંમત ૭૪ પૈસા વધી ચુકી છે. હવે કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર ૧૯.૪૮ રૂપિયા અને ડિઝલ પર ૧૫.૩૩ રૂપિયા પ્રતિલીટરે એક્સાઇઝ ડ્યુટી વસુલે છે. આના ઉપર રાજ્ય સરકારો જુદા જુદા દરે વેટ વસુલે છે.

આંદામાન અને નિકોબારમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી ઓછા છ ટકાના દરે સેલટેક્સ વસુલવામાં આવે છે જ્યારે મુંબઈ અને તેલંગાણામાં ડીઝલ પર ૨૬-૨૬ ટકા વેટ વસુલ કરે છે જે સૌથી વધારે છે. દિલ્હી પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ ઉપર ૧૭.૨૪ ટકા વસુલી કરે છે. કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે નવ તબક્કામાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ૧૧.૭૭ રૂપિયા અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા વધારી દીધી છે. આ ગાળા દરમિયાન ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકાર ઉપર પણ ભાવ વધારાને લઇને દબાણ વધી રહ્યું છે.

Previous articleએશિયન ગેમ્સ : નવમાં દિને નિરજે નવો ઇતિહાસ સર્જ્યો
Next articleબેલેટ પેપર મારફતે ચૂંટણી માટેની વિપક્ષની માંગ ચુંટણી પંચે રદ્દ કરી