બેલેટ પેપર મારફતે ચૂંટણી માટેની વિપક્ષની માંગ ચુંટણી પંચે રદ્દ કરી

1112

ચૂંટણી સુધારાઓ ઉપર ચર્ચા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં કેટલાક પક્ષોએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની જોરદાર માંગ કરી હતી. જો કે, રાજકીય પક્ષોની આ માંગને ચૂંટણી પંચે ફગાવી દીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરના ઉપયોગની માંગ કરી હતી. આ વ્યવસ્થાથી બૂથ કેપ્ચરિંગને પ્રોત્સાહન મળશે. બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાવતે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બેઠકમાં કેટલાક પક્ષોએ ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં આવી રહેલી પરેશાનીનો મુદ્દો રજૂ કર્યો હતો. રાજકીય પક્ષોની રજૂઆતો ઉપર ચૂંટણી પંચ દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવનાર છે. સમસ્યા ક્યાં અને કઇ રીતે આવી રહી છે તેના ઉપર ધ્યાન આપવાની અને તપાસ કરવાની ચૂંટણી પંચે ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયાને વધારે વિશ્વસનીય અને વધારે મજબૂત કરવા માટે રચનાત્મક અને હકારાત્મક સલાહ આપી હતી. સૂચનો પણ કર્યા હતા. ચૂંટણી પંચ હવે રાજકીય પક્ષોના તમામ સૂચનો પર ચર્ચા કરશે અને જરૂર પડશે તો તેમને અમલી પણ બનાવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે લોકસભા અને રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને મતદાર યાદીમાં સુધારા, પારદર્શીતાના સુધારા, દેશમાં એક સાથે ચૂંટણી યોજવા તથા તેમને સમાવેશી બનાવવા સાથે જોડાયેલા વિકલ્પો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી પંચની આ બેઠકમાં વાર્ષિક પરિક્ષણ રિપોર્ટ અને ચૂંટણી ખર્ચના રિપોર્ટ સમયથી જમા કરાવવાના મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી. વિધાન પરિષદની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા મર્યાદિત કરવા અને ચૂંટણી ખર્ચને ઘટાડવાના મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. બેઠકમાં કોંગ્રેસે રજૂઆત કરી હતી કે, ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઇએ. કોંગ્રેસે એવી માંગ પણ કરી હતી કે, ચૂંટણીમાં ૩૦ ટકા વીવીપેટ મશીનોનો ઉપયોગ થવો જોઇએ. બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું હતું કે, ઇવીએમને લઇને લોકો હવે નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે. કારણ કે મોટાભાગના રાજ્યોમાં મતદાન દરમિયાન તેમાં ગેરરીતિઓ આવી રહી છે.

કેટલીક વખત એવું પણ જાણવા મળ્યું છે કે, વોટ આપતી વેળા કોઇપણ બટન દબાવવાની સ્થિતિમાં કોઇ એક રાજકીય પક્ષને જ મત પડી જાય છે. વાસનિકે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે આ સંબંધમાં કહ્યું છે કે, આનો એક જ ઉકેલ છે કે, વીવીપેટની ફરીથી ચકાસણી કરવામાં આવે તથા ઓછામાં ઓછા ૩૦ ટકા વીવીપેટ ચકાસવામાં આવે તે જરૂરી છે. આનાથી દેશની લોકશાહી મજબૂત થશે. વીવીપેટ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનમાં લગાવવામાં આવેલી એ વ્યવસ્થા છે જેનાથી નિકળનાર પર્ચી મારફતે મતદાર દ્વારા આપવામાં આવેલા મતને સમર્થન મળે છે.

Previous articleદેશના મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ
Next articleઓઢવ ઘટના : કસૂરવારો સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરો : ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ