પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. એક તબક્કે હાર્દિકે ભાજપના નેતાઓને પણ સત્યની આ લડાઇમાં જોડાવવા માટે આહ્વાહન કર્યું હતું. દરમ્યાન હાર્દિકના ઉપવાસ સ્થળે આજે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પહોંચ્યા હતા અને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કરી પોલીસ અને તંત્ર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ભાજપ સરકારની ચાપલૂસી બંધ કરે,
આગામી દિવસોમાં રાજયભરના ખેડૂતો હાર્દિકના ઉપવાસ આંદોલનમાં જોડાવાના છે. હાર્દિક પટેલે ઉપવાસના આજના ત્રીજા દિવસે સરકારને આહ્વાહન કરતાં જણાવ્યું કે, અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે.
જે સરકારે સ્વીકારી લેવી જોઇએ. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે. આ આંદોલનમાં પાટીદારો કરતા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોનું વધુ સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હાર્દિકને મળવા માટે આવી રહેલા પાટીદારોને અટકાવવામાં આવે છે. જ્યારે કોંગી નેતાઓ શશિકાંત પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોને બેરોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને હાર્દિકને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. હાર્દિકના સમર્થનમાં ઉતરેલા લોકોમાં મોટા ભાગના પાટીદારો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેમજ તેને મળવા માટે પણ કોંગી સમર્થકો આવી રહ્યા છે. આ યાદીમાં આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. રીબડીયાએ હાર્દિકને મળીને સમર્થન આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે, પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે, પોલીસે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે, સરકાર તો ગમે ત્યારે બદલાઇ જશે. તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે કોઇપણ દબાણ કે શેહશરમમાં આવ્યા વિના નિભાવવી જોઇએ. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં રાજયભરના ખેડૂતો હાર્દિકના ઉપવાસ આંદોલનમાં જોડાશે. આજે રીબડિયા સિવાય લલિત વસોયા, બાબુ વાજા, ભીખાભાઇ જોશી, લલિત કગથરા, નૌશાદ સોલંકી, કિરીટ પટેલ, વલ્લભ ધારવીયા અને મહેશ પટેલ સહિત ૯ કોંગી ધારાસભ્યો ઉપવાસ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. આજે ત્રીજા દિવસે સોલા સિવિલની તબીબ ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં તેનુ બ્લડ પ્રેશર અને સુગર નોર્મલ આવ્યા છે, જ્યારે હાર્દિકની શ્વાસની સ્થિતિ પણ નોર્મલ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકની દર ૮ અથવા ૧૨ કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડોક્ટરે તેને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. તેમજ હાર્દિકના ઉપવાસને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલને મળી સમગ્ર મામલે વિગતવાર રજૂઆત કરનાર છે. બીજીબાજુ, હાર્દિકને ધીમે ધીમે રાષ્ટ્રીય કક્ષાના બિન ભાજપી રાજકીય નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. આજે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હાર્દિક પટેલની મુલાકાત લે તેવી શકયતા સેવાઇ રહી હતી.