સંવેદનાએ પ્રગટાવી પ્રગતિની જ્યોત-એક નેત્રહીન વ્યક્તિની વ્યથા : અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાની વાત છે. યુરોપ સહિતના દેશોમાં તે વખતે જન્મથી કે જન્મ પછી આવતા અંધત્વને અભિશાપની નજરે જોવામાં આવતો હતો. ઇંગ્લેન્ડના એક ગામડામાં આવા જ એક જન્મેલા બાળક સાથે ઘટેલી ઘટના વિશે જાણવા જેવી રસપ્રદ વાત છે. સ્વરૂપવાન અને સંપૂર્ણ રીતે તંદુરસ્ત જન્મેલા આ બાળકનું નામ જોન મેડ કાફે હતું. પરંતુ આ બાળક અઢી-ત્રણ વર્ષનું થાય તે પહેલાં પોતાની બંને આંખોની જ્યોતિ ગુમાવે છે. પરિવાર અને તેના માતા-પિતાને પણ આવું થવાનું કારણ કોઈ અભિશાપ હોવાનું લાગવા માંડે છે. આ પરિવાર સાથે સમાજનો વ્યવહાર પણ બદલાવા લાગે છે તેના ઘરમાં કોઈ પાપી આત્માએ જન્મ લીધો છે તેના કારણે તે એકાએક અંધત્વનો ભોગ બન્યો છે તેવી માન્યતાને કારણે તેની સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર શરૂ થાય છે. આખરે પરિવાર આ બાળકને અવાવરુ જગ્યા પર મૂકી આવી તેનાથી છુટકારો મેળવી લે છે.
થોડા સમય પછી પરિવાર સાથે સમાજનો વ્યવહાર બદલાવા લાગે છે. જ્યારે બીજી તરફ અવાવરુ જગ્યા પર છોડી દેવામાં આવેલા બાળકને કોઇ સંવેદનશીલ વ્યક્તિનો ભેટો થાય છે. તે આ બાળકનો સામાન્ય બાળકની જેમ જ ઉછેર કરવા લાગે છે. સમય જતાં આ બાળક ઘોડેસવારી, બગડેલી ચીજવસ્તુનું રિપેરીંગ અને અવનવી પદ્ધતિઓનો વિકાસ અને સંશોધન માટે કામ કરવા લાગે છે. પાછળથી તે કુશળ તરવૈયા બને છે. સમુદ્રમાં તે માઈલો સુધી દૂર જઈ અનેક સનેત્ર વ્યક્તિઓ માટે પણ ભોમિયાની ભૂમિકા ભજવવા લાગે છે. જોજનોની મુસાફરી કરી તેમણે શ્રેષ્ઠ ભોમિયાની નામના મેળવી હતી.
જ્યારે ઘોડેસવાર તરીકે તે એટલો તો પાવરધો હતો કે એક ઇંગ્લિશ કન્યા એકાએક તેનાથી મોહીત બની કે જે એક કલાક બાદ અન્ય પુરુષ સાથે પરણવાની હતી તે વિચાર માંડીવાળી તેણે આ કુશળ ઘોડે સવાર સાથે લગ્ન કરી લઈ સૌ કોઈ માટે આશ્ચર્ય સર્જ્યુ હતું. આ જોન મેડ કાફે એટલે પાકા રસ્તા તૈયાર કરવામાં ભાંગેલા પથ્થરોનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરનાર વિશ્વભરનો પ્રથમ વ્યક્તિ જેના કારણે સમગ્ર વિશ્વમાં કરોડો માઈલનાં આપણે પાકા રસ્તા તૈયાર કરી શક્યા છીએ. આવી કુશળતા તે કઈ રીતે મેળવી શકયો હશે ! એકાએક આવેલા અંધત્વના કારણે તેના પરિવારે સમાજથી ડરીને પોતાના જ બાળકનો ત્યાગ કર્યો હતો, છતાં કોઇ સંવેદનશીલ વ્યક્તિત્વના કારણે ઈશ્વરની કૃપાથી તેનું ઘડતર અને ચણતર થયું તેના કારણે આ શક્ય બન્યું હોય તેમ કહી શકાય. વિશ્વમાં આવી અનેક પ્રતિભાઓને આ પ્રકારની સંવેદના જન્મ આપી શકે. જરૂર હોય છે – શુદ્ધ હૃદયથી આવી વ્યક્તિઓને સ્વીકારી તેમના પ્રત્યે સંવેદના દાખવવાની. સંવેદનારૂપી સરિતા જ્યાં પણ વહે છે ત્યાં વિકાસની લીલોતરી છવાઈ જાય છે.
૧૯૨૮માં ભાવનગરના તે વખતના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી મુંબઈની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે મુંબઈ વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધી બ્લાઈંડની મુલાકાત લીધી. શાળામાં બધા જ અંધ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે વખતે વિદ્યાર્થીઓને શિક્ષણને બદલે નાના-મોટા ગૃહ ઉદ્યોગો શીખવવામાં આવતા. જેમાં નેતરની ખુરશી ગુંથવાનો ઉદ્યોગ મુખ્ય હતો. આ ઉપરાંત બીડી કામ, સિલાઈ કામ, પેકિંગ, મસાજ અને તેના જેવા ઘણા કામો શીખવવામાં આવતા હતા. આ શીખવેલા કામનું મૂલ્યાંકન કરવાના હેતુથી સમયાંતરે તેની સ્પર્ધાઓ યોજવામાં આવતી. આવા જ હેતુસર શાળામાં નેતરની ખુરશી ગૂંથવાની સ્પર્ધા યોજાઈ હતી. ભાગ લેનાર પ્રત્યેક અંધ વિદ્યાર્થી ખુરશી ગૂંથણ માટે ઝડપથી આંગળીઓ ચલાવી રહ્યા હતા. જેમાં ‘નટુ દોલત ઓઝા’ સૌથી મોખરે હતા. તેમણે સૌથી પ્રથમ પોતાનું કામ પૂરું કર્યું એટલે કે બે સવા બે કલાકમાં પોતાની ખુરશી તૈયાર કરી વિજેતાનો દાવો રજૂ કરી દીધો, નિર્ણાયકોએ નિર્ણય પણ જાહેર કર્યો. નટુ દોલત ઓઝાને નેતર ગુંથણ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક આપવા માટે સમારંભ યોજાય છે. સમારંભનાં મુખ્ય મહેમાન મુલાકાતી મહારાજા ભાવેણાંના શિરોમણી બને છે. પારિતોષિક લેવા આવેલ નટુને પુરસ્કાર આપતા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ‘નેતરવાળા’નો ઇલકાબ આપે છે. ત્યારથી તે એન ડી. નેતરવાળા નામે જાણીતો બને છે. આ જ વિજેતા વિદ્યાર્થીને મહારાજા અંગત રીતે મળે છે. તેની સાથે ઘણી વાતો કરે છે. પરિચય દરમિયાન મહારાજાને ખબર પડે છે કે આ વિદ્યાર્થી તો પોતાના જ ભાવનગર રાજ્યનો ઉમરાળા ગામનો વતની છે. તે પૂછે છે, ‘તું અહીં?’ નટુ કહે છે ‘બાપુ, આપણા રાજ્યમાં અંધજનોને શિક્ષણ આપે તેવી શાળા ક્યાં છે? આ ઉદ્દગારથી મહારાજાની સંવેદના જાગે છે તે ભાવનગર આવતા જ શ્રેષ્ઠીઓની મીટિંગ બોલાવે છે. શાળા ચલાવવા એક કમિટીની રચના કરવામાં આવે છે. નગરશેઠ છગનભાઈ શાહ શાળા શરૂ કરવા પોતાનો બંગલો વગર ભાડે શાળાના મકાનનું નિર્માણ થાય ત્યાં સુધી આપવાની શરતે શાળા સંચાલક સમિતિને સોંપે છે અને આ રીતે સત્યનારાયણ રોડ પર છગનદાસ શાહના બે પુત્રો શ્રીવિઠ્ઠલદાસ અને શ્રીમનહરદાસ શાહના માર્ગદર્શન નીચે પોતાના જ બંગલામાં માત્ર પાંચ વિદ્યાર્થીઓથી ભાવનગરમાં અંધશાળાનો પ્રારંભ થાય છે. આ જ શાળા આજે રાજ્યની શ્રેષ્ઠ શાળા બની ચૂકી છે જેમાં પણ મહારાજાની સંવેદના કારણભૂત ગણી શકાય. કેટલીક વખત આપણને પણ અનાયાસે આવા વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. પરંતુ તે તરફ આપણે લક્ષ્ય આપતા નથી લક્ષ તો વ્યક્તિ ત્યારે જ આપી શકે જ્યારે તેના દિલમાં સંવેદના જાગે સંવેદના એવા જ દિલમાં જાગતી હોય છે જ્યાં વેદનાનો જન્મ થયો હોય. જેમણે કદી વેદના અનુભવી નથી તે કદાપિ સંવેદનાનો માલિક બની શકતો નથી. આપણે જોયું કે એક સંવેદનાએ વિશ્વભરને મજબૂત પાકા રસ્તાની ભેટ આપી. જ્યારે બીજી સંવેદનાએ પ્રજ્ઞાચક્ષુઓને અસરકારક શિક્ષણ આપી શકે તેવી રાજ્યની મોખરાની શાળા આપી. સમાજમાં જ્યારે આ રીતે વેદનામાંથી સંવેદના ઉદ્દભવતી રહેશે ત્યારે જ મજબૂત અને સુંદર સમાજનું નિર્માણ થશે.
ભાવનગરના નેક નામદાર પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ શાળા સ્થાપવા માટે માત્ર કમિટીની જ રચના કરી એવું નથી. તેમણે શાળા ચલાવવા રાજ તરફથી અનુદાન આપવાનું પણ ઠરાવ્યું હતું જોકે ૧૯૪૭ માં આપણને આઝાદી મળી તેના જ પગલે દેશ પ્રજાસત્તાક બને તેવા હેતુથી ભાવનગરના મહારાજાએ સૌપ્રથમ રાજ અર્પણ કરી સાચા રાજવીનાં દર્શન કરાવ્યા એ ખરું પરંતુ તેનાથી અંધજનોએ તો સાચા રાહબર ગુમાવ્યા હતા. કારણ કે આજે પણ આ સંસ્થાના પ્રાથમિક વિભાગમાં સરકારશ્રી દ્વારા આચાર્યની જગ્યા મંજૂર કરવામાં આવી નથી, તેમજ વયમર્યાદાના કારણે ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવતી નથી. બાળકોની સાર સંભાળ રાખવા વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી વર્ષોથી બંધ છે. વર્ષો પહેલાં મુકાયેલ ૨૦% કર્મચારી ભરતી કાપનાં લીધે બાળકોના રસોઈઘરની તમામ જગ્યાઓ ખાલી છે. જોકે આ બધી પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતા અંધજનો માટે ‘દિવ્યાંગ’ શબ્દ આપી સમાજ અને સરકારે તેનું સન્માન વધાર્યું છે, તે સ્વીકારવું રહ્યું પરંતુ તેના માટેની સાચી સંવેદના જગાડવાની જરૂર છે.