અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી કેસનો મુખ્ય આરોપી વિજય માલ્યા ભારત આવવા માંગે છે. તપાસ એજન્સીઓના સૂત્રોએ કહ્યું કે આ સંબંધમાં છેલ્લાં બે મહિનાથી માલ્યા આવા સંકેત આપી રહ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં વિજય માલ્યાની અઢળક સંપત્તિ છે, જે તપાસ એજન્સીઓ દ્વારા અટેચ્ડ છે.બીજીબાજુ વિજય માલ્યાએ લંડન કોર્ટમાં થોડાંક દિવસ પહેલાં એ દલીલ આપી હતી કે આર્થર રોડ જેલમાં લાઇટ આવતી નથી અને ત્યાં કેટલીય વખત માનવાધિકારોનું ઉલ્લંઘન થાય છે. જો કે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં ગત સુનાવણી દરમ્યાન લંડનની કોર્ટે ભારતની એ જેલનો વીડિયો પણ બતાવવાનું કહ્યું હતું, જ્યાં પ્રત્યાર્પણ બાદ માલ્યાને રાખવાની યોજના છે.
આ બધાની વચ્ચે નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવા કાયદા અંતર્ગત એક વખત ગુનેગારની સંપત્તિ જપ્ત થઇ જશે તો તેને ફરીથી છોડાવી શકાશે નહીં. તેથી ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા ભારત આવવા માટે ઉત્સુક છે. વિજય માલ્યાને આર્થિક ભાગેડુ અપરાધી ઘોષિતને લઇને સુનાવણી કરી રહેલી મુંબઇની વિશેષ કોર્ટે સોમવારે આ મામલે આગામી સુનાવણી ૩ સપ્ટેમ્બરના રોજ નક્કી રાખી છે.
અધિકારીઓએ કહ્યું કે માલ્યાના પરિવારના એક સભ્ય સહિત ઓછામાં ઓછા પાંચ લોકોએ ઇડી દ્વારા નવા કાયદાની અંતર્ગત ઉદ્યોગપતિને આર્થિક ભાગેડુ ઘોષિત કરવાના સંબંધમાં કેસના દસ્તાવેજ કોર્ટમાં માંગ્યા છે. તેના લીધે કોર્ટે કેસની સુનવણી આવતા સપ્તાહ સુધી સ્થગિત કરી દીધી છે.